Saturday, August 1, 2015

ધન ધન ધનબાઈ ! (૨)

(અત્યાર સુધી વાંચ્યું: ધનબાઈના જીવનમાં અંધારા બોગદા જેવો સમય ચાલી રહ્યો હતો. પતિની વિકૃતિઓ, પિતાનું અવસાન અને આ બધાની વચ્ચે આત્મહત્યા નહીં કરવાનો ધનબાઈનો દૃઢ નિર્ણય. જીવનના તમામ પડકારો તે ઝીલી રહ્યાં હતાં. પણ હવે આ બોગદાના છેડે પ્રકાશની એંધાણી દેખાઈ રહી હતી. 
હવે વાંચો આગળ.) 

        
હીરજીભાઈ બેકાર હતા અને ઘરમાં ટંકટંકના સાંસા હતા ત્યાં એક દિવસ ઘરમાં મહેમાન આવ્યા. ધનબાઈ પડોશમાંથી માગેલો-તાગેલો લોટ લાવીને રોટલી વણવા બેઠાં. મહેમાનોમાંથી એક બાઈ માણસે વળી રોટલી વણવા દેવાની વિવેક-તાણ કરી. ધનબાઈએ ના પાડી. ખેંચતાણીમાં રોટલી વણવાની પાટલી તૂટી ગઈ. એટલે વળી દુકાળમાં અધિક માસ ! ધનબાઈ તાબડતોબ મહાવીર બિલ્ડિંગમાં આવેલી કચ્છના લીલાધર બાપાની દુકાને પાટલી લેવા ગયાં. પૈસા તો હતા નહીં, કહ્યું કે બાકી રાખો. પછી સગવડે આપી જઈશ. બીજી વાર જ્યારે ધનબાઈ પૈસા આપવા ગયાં ત્યારે લીલાધર બાપાએ પોતાનાં પત્ની-બાળકો સાથે ઓળખાણ કરાવી અને અચાનક જ પૂછ્યું : ક્યાંય ભણાવવા જાઓ છો, બહેન ?

            પ્રશ્ન સાંભળીને ધનબાઈની આંખમાં પાણી આવી ગયાં. બાપાએ પૂછ્યું : કેમ માઠું લાગ્યું ? ધનબાઈ બોલ્યાં : ના રે, મને રોવું તો એટલા માટે આવ્યું કે ભણાવવાની તમે વાત કરીને ? હું શું ભણાવી શકવાની હતી ? હું પોતે જ જ્યાં ત્રણ ચોપડી ભણી છું ત્યાં ! બાપા ખામોશ થઈ ગયા. થોડી વાર પછી વળી કંઈક યાદ આવ્યું એટલે પૂછ્યું : તમને ધરમનું કંઈ આવડે છે ?ધનબાઈ તરત બોલ્યાં : ધરમનું શિક્ષણ તો મને બહુ મળ્યું છે, પણ આજકાલ ધરમના શિક્ષણની પડી છે કોને ? બાપા મરકીને બોલ્યા : મારે મારા દીકરાઓને ધરમનું શિક્ષણ આપવું છે. હમણાં તો દુકાન મારી માનાં ઘરેણાં વેચીને શરૂ કરી છે, એટલે પગાર કેટલો આપીશ તે અત્યારે કહી ન શકું, પણ કંઈક તો આપીશ જ. ને તમનેય જરૂરત છે તે સમજું છું.

        બાપાને ત્યાં ધનબાઈએ ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તે બે વર્ષ સુધી પગાર માસિક રૂપિયા દસમાંથી વધીને પચાસ થયો. ત્યાં દાદરના શ્રી શાંતિનાથના દેરાસરમાં પાઠશાળામાં માસિક સવાસોના પગારથી ધર્મનું શિક્ષણ આપવાની નોકરી પાકી થઈ ગઈ. એ પછી એક દવાખાનામાં કામ મળ્યું.
        ત્યાં જ સમાચાર આવ્યા કે પ્રતાપ મિલમાં કામ કરતા એના પિતા મિલમાં જ બેભાન થઈ ગયા અને સ્થળ પર જ કૅન્સલ થઈ ગયા. એમનું કરજ ચૂકવ્યા પછી ધનબાઈના ખોળામાં ઓગણીસસો રૂપિયા આવ્યા. એમાંથી એ વળી સમેત શિખરજીની જાત્રા કરી આવ્યાં.
        પણ એ પછી તરત જ હીરજીભાઈના સંગ્રહણીના રોગે માઝા મૂકી. એમને કે.ઈ.એમ. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ને ત્યાં જ એ અવસાન પામ્યા.

        ધનબાઈના પરિવારમાં કોઈ રહ્યું નહીં. પુત્રી કાંતા થોડા જ સમય અગાઉ ગુજરી ગઈ હતી. એની પુત્રી નલિની હતી.
        નોકરી પણ ગઈ. હવે શું કરવું ? મિલમાંથી હોલસેલના ભાવે લોકવર્ણ વાપરે તેવું કાપડ ધનબાઈ લાવવા માંડ્યાં અને ફેરી કરનારી બહેનોને સવા છ ટકા કમિશન ચડાવીને દેવા માંડ્યાં. આમ ગાડું ચલાવ્યું.
        પાંચ હજારનું કરજ કરીને પછી તો એમણે દૌહિત્રી નલિનીને પણ એમણે જાતે પસંદ કરેલા છોકરા સાથે પરણાવી.
        પછી સાવ એકલવાયાં થઈ ગયાં. પણ જિંદગીમાં નવો વળાંક આવ્યો ને ત્યારે જ ગાંધીજી એમને ક્યાં યાદ આવ્યા ? ને એમની જિંદગી કઈ દિશામાં કેવી રીતે ફંટાઈ ?

0 0 0

      જિંદગીની આ ચડઊતર દરમ્યાન હુબલીમાં એક વાર જાનકીદેવી બજાજનો પરિચય થયો હતો. પણ એ ગાઢ બને તે પહેલાં જ છૂટાં પડી જવાનું બન્યું હતું. ધનબાઈ જ્યારે સાવ એકલવાયાં થઈ ગયાં, ત્યારે જાનકીદેવી એમને સ્મરણે ચડ્યાં. તરત ઘરને તાળું મારીને ધનબાઈ વર્ધા ઊપડ્યાં ને એમને બંગલે પહોંચ્યાં. ત્યાં તો એ દિલ્હી જવાની તૈયારીમાં પડ્યાં હતા. ધનબાઈને જોઈને એ ભેટી જ પડ્યાં. અને ખબર અંતર પૂછી. ધનબાઈ શું બોલે ? ધીરે ધીરે વાત કરી કે પાંચ હજારના કરજમાં કેવી રીતે ડૂબ્યાં.
જાનકીદેવી બજાજ સાથેની મુલાકાતે તેમના
જીવનની દિશા બદલી નાંખી 
      જાનકીદેવી બોલ્યાં : એ બધો જ ઇલાજ પછી થઈ રહેશે. હાલ તો તમને એક સારા સમાચાર આપવાના કે સામે ચાલીને અખિલ ભારત ભૂદાન પદયાત્રાનું ઉદઘાટન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કર્યું છે. એમાં તમામ પદયાત્રીઓની સારસંભાળ લેવા, માંદા પડે તો સંભાળ રાખવા અને એમની નાની નાની જરૂરતોનું ધ્યાન રાખવા કોઈ પીઢ બહેનની જરૂર હતી. તમે મને એ માટે તરત યાદ આવ્યાં. ને જુઓ આ પત્ર... એમણે એક બંધ કવર કાઢીને બતાવ્યું ને બોલ્યાં : આ મેં તમને લખીને પોસ્ટ કરવા જ સાથે લીધું છે, ને તમે સામે જ આવી મળ્યાં ! અદભુત સંકેત છે. જોડાઈ જ જાઓ.

        ધનબાઈને ક્યાં કોઈની રજા લેવાની હતી ? વિનોબાજીના સાન્નિધ્યમાં આવો લહાવો ફરી ક્યારે મળવાનો હતો ? એ તરત જ તૈયાર થઈ ગયાં. લાગતું હતું કે જ્યાં નરકની સરહદ પૂરી થતી હતી ત્યાં જ સ્વર્ગ માટેની પ્રવેશરેખા શરૂ થતી હતી.

        મુંબઈ આવી, ખાદીનાં બે જોડ કપડાં લઈને એ તરત જ વર્ધા પાછાં ફર્યાં. બિછાવવા માટે નાની શેતરંજી, કપડાં વીંટાળીને ઓશીકા તરીકે ઉપયોગમાં લઈ શકાય એવો ટુવાલ, પાણી પીવાનો ગ્લાસ અને ઓઢવા માટેની ચાદર, એક પેટીચરખો, આટલો સામાન જાતે ઉપાડીને ચાલવાનું અને સવારના પાંચથી ઊઠીને દિનચર્યા શરૂ થાય. નાસ્તામાં ખજૂર અને સવારના પાંચથી ઊઠીને દિનચર્યા શરૂ થાય. નાસ્તામાં ખજૂર અને દાળિયા, સીંગ, ચણા, બાફેલા ચણા કે સેવ-મમરા. રસ્તામાં ગામો આવે ત્યાં સફાઈ, માંદાની માવજત, સંડાસ, ગટરોની સફાઈ પણ કર્યે જતાં.

        એક દિવસ નારાયણ દેસાઈએ એમની રુચિ પારખીને કહ્યું : ધનબાઈ, આ પારડી ગામ છે. ગુજરાતી ગામ. તમારે દસ મિનિટ વાર્તાલાપ આપવાનો છે !

        ધનબાઈએ પ્રથમ તો ભારે ગભરાટ અનુભવ્યો. આનાકાની પણ કરી. પછી મનોમન સાવ નાની વયમાં હાજરી આપેલી તે ગાંધીજીની સભા, એમની પ્રાર્થના અને આત્મતેજને યાદ કર્યાં, ને મનમાં નવકાર મંત્રનો જાપ કરીને ભાષણ શરૂ કર્યું. દસ મિનિટ ક્યાં ગઈ તેની સૂધ ના રહી. ભાષણ પૂરું થયું ને તાળીઓના ગડગડાટ થયા ત્યારે સમજાયું કે એમનામાં આ શક્તિ પણ સુષુપ્ત રીતે પડી હતી.
        પછી તો નારાયણ દેસાઈએ એમને રોજ ભાષણ આપવાની વિનંતી કરી. ભાષણની અવધિ દસ મિનિટમાંથી વધીને સવા કલાક સુધીની થઈ ગઈ. ને ધનબાઈની વાગ્ધારા અસ્ખલિત રીતે ચાલવા માંડી. ચાલી રહી.
        પદયાત્રા બે માસ ચાલી અને ધનબાઈનું જીવન પલટાઈ ગયું. એમને ભજનો સ્ફુર્યાં અને આ એ બધાં જ એમણે ડાયરીમાં ટપકાવી લીધાં. વિનોબાએ એમને એક વાર માતાજી તરીકે સંબોધન કર્યું ત્યારથી એ સૌનાં માતાજી બની રહ્યાં.
0 0 0

        ધનબાઈની આ કથની હજુ વધુ લંબાય છે. ભજનકીર્તનથી માંડીને મુંબઈ પરત આવીને નાલા સોપારામાં બાલમંદિર, સીવણક્લાસ અને અંબરચરખાના વર્ગ સુધી.

        પણ એ તો આખી એક નવલકથાની સામગ્રી છે.

        પણ પ્રશ્ન એ છે કે આજે એક્યાસી વરસના થવા આવેલાં ધનબાઈ પગે ચાલીને લાંબુ અંતર કાપીને, પગથિયાં ચડીને આ લખનારથી વિનંતીથી મળવા આવ્યાં ત્યારે એમના ચહેરા ઉપર જીવનભરની વ્યથાને ઘોળીને પી ગયા હોય ને તેમ છતાં અમૃતનો ઓડકાર આવ્યો હોય તેમ નિખાલસ, નિર્દોષ સ્મિત હતું. આંખોની એમને તકલીફ મુંબઈના યુવાન પારસી ડૉકટર કેકી મહેતાએ નિવારી આપી હતી. એટલે વારંવાર ભારે આભારવશ થઈને તેમનું સ્મરણ કરતાં રહ્યાં. ચૌદેક જેટલાં પુસ્તકો એમણે લખ્યાં, પ્રગટ કર્યાં અને સંખ્યાબંધ સંસ્થાઓમાં ભરચક મેદની વચ્ચે એમણે ધર્મ, અધ્યાત્મ અને જીવનને પ્રેરક એવા વિષયો પર પ્રવચનો આપ્યાં. છતાં ચહેરા પર જરા પણ ભાર નહીં.

        માજી, મેં પૂછ્યું : ક્યાં રહો છો ?
        એમનો મલકાટભર્યો જવાબ : ભાઈ, ધનલક્ષ્મી એચ. શાહ, એટલું શરીરનામ મારું પૂરતું નથી. માથે છાપરું પણ જોઈએ. છેલ્લાં પચ્ચીસ વર્ષથી હું કચ્છી દશા ઓશવાળ ટ્રસ્ટના મહિલા આશ્રમ નામે ભગિનીગૃહ, રૂમ નંબર 30, ચોથા માળે, જૂના-અનંતભવન, નરસી નાથા સ્ટ્રીટ, મુંબઈને સરનામે રહું છું. મારા જેવી તેર એકલવાયી બહેનો ત્યાં ઘર જેવી સગવડ સાથે જીવે છે.
        એની કથા ? મતલબ કે એ ભગિનીગૃહની કથા ? મેં પૂછ્યું.
        એ વળી ક્યારેક એમણે કહ્યું ને બિલકુલ તંદુરસ્ત લાગે એવી એકાશી વરસની કરચલિયાળી લાલી સાથે મલક્યાં.

(સંપૂર્ણ) 

(આ લેખ 1988 માં લેવાયેલી મુલાકાતના આધારે લખાયો છે. હાલ ધનલક્ષ્મીબહેનના કોઇ સમાચાર નથી. ) 
(તસવીર નેટ પરથી) 

1 comment:

  1. રણમાં પાણીની નાની વીરડી જો મળી જાય તો મુસાફર ઈશ્વરનો પાડ માની લ્યે તેમ આ માનવહ્રદયને અડી જાય તેવી વાત લખી તે વાંચી મન ધન્ય ધન્ય થઇ ગયું!!
    આવા માનવહ્રુદય ધબકારા વાગે તેવું લખાણ લખોજ છો તેવું હવે પછી પણ ચાલુજ રાખશો..

    ReplyDelete