Tuesday, October 6, 2015

આ ગુરુ અંગુઠો માગી નથી લેતા, અંગુઠો મારી પણ દે છે




      ઓરડામાં દાખલ થતાંવેંત યોગી પુરોહિતને પોતાની નાની દૂધમલ ઉંમરનો અહેસાસ થયો. એ વખતે ગુરુપ્રસાદ સામેની દીવાલ તરફ મોં કરીને કશુંક પેઈન્ટિંગ કરતા હતા. એટલે માત્ર સફેદ કફનીવાળી વિશાળ પાટલા જેવી એમની પીઠ જ દેખાતી હતી. ગરદન પર ચરબીના થરને કારણે અને એના ઉપરનાં ઓડીયાને કારણે એ પીઠ ફરીને બેઠેલા સિંહ જેવા લાગતા હતા.
સરયોગીના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. ગુરુપ્રસાદે સાંભળ્યો નહીં હોય. કોણીનું હલનચલન ચાલું રહ્યું એટલે સમજાયું કે પેઈન્ટિંગ ચાલુ હતું.
ફરી યોગી જરા ખોંખારીને ઊંચેથી બોલ્યો : "સર....” આ વખતે ગુરુપ્રસાદે મોં ફેરવ્યું. યોગી સાથે નજર મેળવી, તો યોગી એના ઘેઘુર-સફેદ ભવાંથી વધુ અંજાયો. ને પાછો અવાજેય સિંહની ઘરઘરાટી જેવો નીકળ્યો : “કોણ ?”
હું યો...યોગી પુરોહિત.” એ બોલ્યો : “થોડાં પેઈન્ટિંગ્સ બતાવવા આવ્યો છું. ડીપ્લોમાના છેલ્લા વર્ષમાં છું.”
આવો.” એમ ગુર્રાતા અવાજે કહેવાયા પછી જ યોગી અંદર આવ્યો. પ્રણામ કર્યા અને પછી નીચે બેસવા જતો હતો ત્યાં પડછંદ ગુરુપ્રસાદ ઊભા થઈને નજીક આવ્યા. અને પ્રેમભર્યો હાથ મૂક્યો. પછી પોતાની નજીક જ સોફા પર બેસાડ્યો. ત્યાં તો નોકર આવીને પાણી આપી ગયો. પીતાં જરી છલકાયું. શર્ટની ચાળ પર પડ્યું. યોગીએ ઓઝપાઈને ગુરુની સામે જોયું તો એ કંઈ વાંધો નહીંજેવું હસ્યા. બોલ્યા તો નહીં જ. ચશ્માં ચડાવ્યાં, ને વળી બે-ચાર સવાલ એની ઓળખાણ માંગતા પૂછીને એના ચિત્રોનું પેકેટ હાથમાં લીધું. એમને તકલીફ ના પડે એટલા સારું યોગીએ જ એના દોરા તોડવા માંડ્યા. પહેલું જ પેઇન્ટિંગ્સ એણે એવું ઉપર રાખેલું કે સારી છાપ પડે. યોગી બોલ્યો : “આનું નામ મોહિનીમૃત્યુછે. આને સરરાષ્ટ્રીય પ્રદર્શનમાં બીજું પ્રાઇઝ મળેલું.”
હં.” ગુરુપ્રસાદ ઘરઘરાતા અવાજે બોલ્યા : “નેક્સ્ટ ?”
આનું નામ પછીની પેલે પાર અને આનું નામ અણુઆકાશ' અને આનું રિક્ત સમૂહ છે. ત્રણેને રાજ્યકક્ષાના શૉમાં પહેલાં ઈનામ અને મેરિટ સર્ટીફિકેટ મળેલા.”
બોલતાં બોલતાં યોગીમાં ગૌરવની એક છાલક અંદર ઊઠી હતી. પણ ગુરુએ નિઃશ્વાસ જેવો શ્વાસ છોડ્યો. બોલ્યા : “હાથ બેસતો આવે છે ભાઈ, પણ હજુ ઘણી તાલીમ અને મહેનતની તમારે જરૂર છે.”
બોલીને એ ફરી પેઇન્ટિંગ્સ જોવા માંડ્યા. યોગી ચોથા પેઇન્ટિંગ્સ વિષે કશુંક પૂછવા જતો હતો ત્યાં ગુરુપ્રસાદ બોલ્યા : “ઈનામો-બિનામો તો ઠીક છે. એનાથી ફુલાવું નહીં. ઈનામ એ ગાળ છે. ઈનામ આપીને આપનાર આડકતરી રીતે એમ કહે છે કે આ માણસનું આ ગજું નહોતું ને એણે કર્યું. એને શાબાશી ઘટે છે. મતલબ કે તમે ગજા વગરના છો. જેટલું મોટું ઈનામ એટલી મોટી ગાળ.”
યોગી કશું બોલ્યો નહીં. ઈનામો વિષે કશું જ ના બોલવું એમ નક્કી કર્યું. બીજા ચિત્રો બતાવવા માંડ્યો.
એક પેઇન્ટિંગ એક તરફ તારવીને ગુરુપ્રસાદે બાજુમાં મૂક્યું. પછી પાછા વીસ-પચ્ચીસ ફેરવ્યાં. વળી એકાદ જૂદું કાઢ્યું. બસો જેટલા કુલ હશે. એમાંથી દસેક કાઢ્યાં. યોગીની છાતી ધડક ધડક થઈ ગઈ. ગુરુપ્રસાદે થોડાં પેઇન્ટિંગ્સ  કરેલા ને એક જમાનામાં  કળાનું એક સામયિક પણ કાઢેલું. એમાં એ પેઇન્ટિંગ્સ વિષે લખતાં. દોઢેક વરસ ચાલેલું. પછી બંધ થઈ ગયેલું. ગુજરાતમાં કલાકારોની કદર નથી એ વાત ખોટી છે. વિવેચકોને કદર નથી. બાકી એમણે તો ઘણાં કલાકારોને જીવતા કરેલાં. આવો માણસ.... શું બોલશે એના ક્રીએશન્સ  વિષે ? યોગીનું ગળું સુકાઈ ગયું.
“જુઓ ભાઈ” ગુરુપ્રસાદ બોલ્યા : “આ પેઇન્ટિંગમાં કલરટોનની ખામી છે. જો ગ્રીનીશ કલરનો ટોન હોત તો આ પીસ એક ઉત્તમ કલાકૃતિ ગણાત. ને આ...” એમણે બીજું પેઇન્ટિંગ હાથમાં લીધું : “આમાં તમે જુઓ કે બેકગ્રાઉન્ડમાં બેલેન્સ નથી. આ બધા પેઇન્ટિંગ્સ હજુ ઇમ્પ્રૂવથઇ શકે. જો એમાં આટલો સ્ટ્રોક અહીંથી મારો અને આ પીસ પણ સુધરી શકે જો એમાં અહીં. એક વ્હાઈટ સબ્જેક્ટ મૂકો.અને એને ડાર્ક સાથે જકસ્ટાપોઝ કરો. અને આ.... એમણે ચોથું પેઇન્ટિંગ હાથમાં લીધું : “આનું નામ બદલો. “મોહીની મૃત્યુ” એટલે શું ? મૃત્યુમાં કાળી છાયા આવે. એટલું કરો નામ રાખો “મોહીની ભેદન...”
ઘણાં સલાહ-સૂચનો આપ્યાં. એકાદ કલાક થયો. વાતો સાચી હતી. થોડોક ફેરફાર એ સૂચવે એટલો કરવાથી પેઇન્ટિંગ્સ વધુ સારા બનતા હતાં. કલાકાર પણ પોતે જ. પેઇન્ટિંગ્સ પણ એના એ જ. છતાં દરેક પીસ વધુ સારો  બનતો હતો.
ઘેર જઈને યોગીએ પંદર દિવસ સુધી મહેનત કરી. કરતી વખતે ખબર પડી કે સજેશન્સ ગુરુપ્રસાદના સાચાં હતાં, પણ અમુક બરાબર ન હોય એવું પણ હતું.એવાંય ઘણા હતા.
“છતાં પણ.....” યોગેશે એક દોસ્તને કહ્યું ; “એમણે મને જેટલા સજેશન્સ  કર્યા તે ભલે ઇમ્પ્લીમેંટ કરવા જેવાં નહોતાં, પણ જે થોડા  ઘણાં કર્યા તેટલાં ખરેખર એપ્રોપ્રીએટ હતાં. હું એમનો ઋણી ગણાઉં. તને મળે તો એમને કહેજે કે યોગી તમને બહુ આદરથી યાદ કરતો હતો.
 આ શહેર છોડ્યા પછી યોગી મુંબઈમાં સેટલ થયો. એક આર્ટ ઇન્સ્ટિટ્યુટમાં જોબ લીધી. અને ચમત્કાર થયો હોય એમ એના ત્રણ પેઇન્ટિંગ્સને ઇંટરનેશનલ કોન્ટેસ્ટ્માં ગૉલ્ડમેડલ્સ મળ્યા. એને અભિનંદન આપવા માટે એના જ મિત્રોએ ઑબેરોયમાં સમારંભ ગોઠવ્યો. ડ્રીંક્સ પણ હતાં. રાતના બારેક વાગે રંગ જામ્યો હતો ત્યાં એક મિત્ર હાથમાં ગ્લાસ લઈને એમની પાસે આવ્યો. બોલ્યો : “યાર, તું ગુરુપ્રસાદને ઓળખે ? કોઈ પરિચય ?”
“કેમ નહીં ?” યોગી બોલ્યો : “એમણે મને મારી કેરિયરની સાવ શરૂઆતમાં, જ્યારે હું સાવ ઉગતો કલાકાર ત્યારે ઘણું ગાઈડન્સ આપેલું.” બોલતાં બોલતાં એનામાં એકદમ ભક્તિભાવ ઉભરાઈ આવ્યો : “એમને તો હું ગુરુ માનું છું. ભલે ને છેલ્લાં પાંચેક વરસથી હું એમના ટચમાં નથી. પણ આપણે તો યાર આપણને બ્રશ ધોઈ આપનાર પટાવાળાનેય ભૂલતાં નથી, જ્યારે આમણે તો મને બહુ એન્કરેજ ત્યારે, કે જ્યારે મારે એની જરૂર હતી.”
“એન્કરેજ કરેલો કે,,” મિત્રે પૂછ્યું : કે બીજું કાંઈ ?”
યોગીએ ઝીણી આંખે છત તરફ તાક્યું. યાદ કર્યું. કહ્યું : “થોડાંક સલાહ-સૂચન કરેલા. કલર સ્કીમ વિષે,સબ્જેક્ટ વિષે કે કદાચ એકાદ પીસના નામ વિષે...”
મિત્ર કશું બોલ્યો નહીં. વ્હીસ્કીના સીપ લેવા માંડ્યો અને મૌન બની ગયો,.
“કેમ શું થયું ?” યોગીએ પૂછ્યું : “છે કાંઈ ?”


“ભગત....” એકાએ મિત્રે સંબોધન બદલ્યું. ગ્લાસ ટેબલ પર મૂક્યો અને ગજવામાંથી એક કવર કાઢ્યું. એ બોલ્યો : “મારા એક એલ્ડરલી કઝીન એ તારા ગુરુપ્રસાદના ફ્રેન્ડ  છે. વાંચ, ગુરુપ્રસાદ એને શું લખે છે ?”

યોગીએ લેટર હાથમાં લીધો. ગુરુપ્રસાદે પોતાના લેટરપેડ ઉપર પોતાના મિત્રને લખ્યું હતું : “યોગી પુરોહિત કલાકાર તરીકે ઠીક છે. મેં એક વાર આગાહી કરેલી જ કે મારા જેવાની મદદ લઇશ  તો આગળ આવીશ,. મને એ વાતનો આનંદ છે કે આંતરરાષ્ટ્રીય એપ્રીસીએશન એને જેમાં જેમાં મળ્યું એ રેક પેઇન્ટિંગ ઉપર હકીકતમાં લીટરલી મારો હાથ-મારુ બ્રશ ફર્યા છે. મને એ ગુરુ માને છે. એટલે મારે એ કરવું પડે છે. એના છેલ્લા પ્રાઇઝ વિનિંગ પેઈન્ટિંગ : “રેમીનીસન્સ ઑફ એન આર્ટીફિસીઅલ ગોડ.”નું ટાઈટલ મેં આપેલું એટલું જ નહીં પણ એના સબ્જેકેટની વ્હાઇટીશ આભા-હેલો પણ મેં જ કરી આપેલી-જો કે આ વાત એને પૂછીને શરમાવશો નહીં. બાકી અહીંના આખા આર્ટિસ્ટ ફ્રેન્ડ સર્કલને એની ખબર છે. અને એમાં ખોટું પણ શું છે ?પેઇન્ટિંગ્સનો મૂળ આર્ટિસ્ટ તો એ જ ગણાય ને ? મેં તો માત્ર ગુરુકાર્ય કર્યું. ને મને એનો આનંદ છે.”
યોગીનો ચહેરો તમતમી ગયો. અને એ સાથે જ કોણ જાણે શું થયું ? ડ્રિંક્સની તમામ “કીક” ઉતરી ગઈ.
                                 ************
ફરી અમદાવાદના એક સમારંભમાં ગુરુપ્રસાદ અને યોગી સામસામે આવી ગયા. એ જ ક્ષણે લળીને પ્રણામ કરવાની વૃત્તિ યોગીને થઈ આવી. પણ જાતને વારી લીધી. છતાં ગુરુપ્રસાદે એના માથા પર હાથ મૂક્યો જ. પૂછ્યું : “કેમ છો દીકરા ?”
“મઝામાં.” યોગી બરડ અવાજે બોલ્યો : “આપના સજેશન્સની બહુ મોટી કિંમત આપે વસુલ કરી, હું પણ એ ચૂકવીને ફ્રી થઈ ગયા પછી ઓર મજામાં છું, પિતાજી !” 

(તસવીરો નેટ પરથી) 

Friday, September 18, 2015

લાટા એવૉર્ડ

"ઓહો !.ઘણા દિએ કાંઈ?" 
"બે ચાર વરસ કાંઇ ઘણા દિ કેવાય ?" ગોલુભા બોલ્યા: "જિંદગાની સો વરસની હોય ત્યાં બે-ચાર વરસ તો બગાસામાં જાતા હોય એને ઘણા દિનો કેવાય."  
"સાચું,સાચું," વિરોધનો જ્યારે વિરોધ થાય ત્યારે સાચું,સાચું,’એમ બે વાર ભણવાથી સામાનો વિરોધ મોળાઈ જાય એમ શાસ્ત્રમાં ભાખેલ છે.(બનતા સુધી) એ હું સમજું..એટલે  પછી મેં પૂછ્યું : "ફરમાવો, કામ ફરમાવો." 
"નાનાના ચાંદલાની વાત હલવું છું." 
“મોટા કુંવરનું પતી ગયું ?”
"અરે!એને ઘર્યે તો દોઢ વરસનાં બેબીબા ઘુઘવાટા કરે છે." 
" અમે તો લક્ષ્મી પધાર્યા એની પાર્ટીમાંથીય ગયા ને ?" 
"નાનાના  ગોળધાણા ખાશું ત્યારે ભેળાભેળી એનીય પાલ્ટી કરી નાખશું,પણ છોટુ મારાજ! તમે વાતને આડે પાટે લઈ જાવ છે. મને ફરમાવવાનું કીધા પછી સામુંકના તમે મને ફરમાવવા માંડ્યા છો! મારી વિપદાને તો કાનસરો આપતા જ નથી !"
"ફરમાવો."
Kochrab Mo' (Meanest Indian) Tags: people india men moustache turban gujarat ahmedabad theface
"બાબતે એમ છે કે સામાવાળા કાકુભા ગોહીલ મૂર આપણા ડેડાણના પણ તૈણ પેઢીથી લંકે મતલબ સિલોન રહે છે. આપણને ઓરખતા નથી, તે આપણી આબરુનું આઈ.ડી.માગે છે.”
"આબરુનું આઇ ડી ? એ વળી શું ?”
મતલબ આપણી આબરુનો કાંક પુરાવો .અસલમાં આ સાલ ઘાલ્યું વાત હલવનાર ધંધાદારી વચેટિયા ગોકળ નેણશીએ, આ લોકો હાલ લોકિકે ડેડાણ આવ્યા હશે ન્યાં આ ગોકળ નેણશી પોગી ગ્યો,  એણે  મોકો જોઇને વેણ નાખ્યું કે કાકુભાબાપુ, અમારા ગામના ગોલુભાની ફેમિલીમાં એક લાયક મુરતિયો છે.નામ સુરુભા ગોલુભા રાજવંશી, ખાધે અને પીધે બહુ સુખી છે. બિલ્ડિંગના કંત્રાટી છે, રૂપિયો ઘરમાં આરે ફાટ્યો બારે જાય છે. બિલકુલ તમારી કુંવરીબાને લાયક ઘરબાર-વર  છે. બસ, એક વાર આવીને પધરામણી કરો. જાત્યે આવીને જોઈ જાવ." 
“વીસેક ટકા તો ઈવડો ઈ સાચું જ બોલ્યોને !" મેં કહ્યું, બાકીમાં એણે ક્યાં એમ કીધું કે પોતે રાજા હરિચંદનો અવતાર છે?”
પણ તોય એ કાકુભાએ આબરુનું આઈ ડી પ્રૂફ માગ્યું!” ગોલુભા સફેદ મૂછો પર જમણા હાથની આંગળી હળવેકથી ફેરવતા બોલ્યા;” ક્યે કે દરબારની આબરુ-ઇજ્જતની જી હોય ઈ વાત કરોગોકળ નેણશી ! રૂપિયાને તો કૂતર્યાય સુંઘતા નથી." 
“વાજબી છે." મેં કહ્યું :"તમારામાં જ્યાં પેઢી દર પેઢી સોળે સાન અને વીસે પોલિસવાન જેવું  હાલ્યું આવતું હોય ત્યાં સામેની પાર્ટી એવું ચોખવાડું માગે, વાજબી છે.”
“ શું તમેય તે 'વાજબી છે', 'વાજબી છે' એમ ઝીંક્યે રાખો છો, છોટુ મારાજ ! આબરુ ઈજ્જતના તે કાંઇ આઈડા-બાઇડાહોતા હશે ?" 

“ લંકામાં સૌના આઈ.ડીએ. નિકળતા હશે, રાજા રાવણના ગયા પછી આ ઈસ્ટાર્ટ થયું હશે. તો જ એ પાર્ટી માગતી હશે ને બાપુ!”
“અરે, પણ લંકામાં તો રાજા રાવણ મૂઓતો, પણ આયાં કણે તો રાજો રામ હતો ને ?" 
“તો બી એનો ખપ પડતો હશે ગોલુભા, સીતામાતા  એવું આઈ.ડી.ના આપી હક્યાં એમાં તો એમને વનવાસ ભેળા થાવું પડ્યું ને!" 
ગોલુભાની આંખોમાં લાલ દોરા ફૂટ્યા, એ મેં એમણે કાળા ચશ્મા ઉતાર્યા તે ઘડીએ જોયું. મેં ટેબલનું ખાનું ખોલ્યુંલીલા રંગની ટ્યુબ કાઢી. લ્યો , જરી દબવીને આંખમાં પીંછીની જેમ ફેરવો . કંજેકટીવાઈટીસમાં આનાથી સુવાણ્ય રહે છે. ને પછી મને બી તમારો  ભો નહિં. કારણ કે આ તો મારો બેટો આંખ મિલાવવાથી પણ સામા આસામીને લાગુ પડી જાય એવો મહાચાલુ રોગ છે.”
ગોલુભા એને અડ્યા પણ નહિં, પાછા ચશ્મા ચડાવી લીધા : હું તમારી પાસે શું કામે આવ્યો છું એ તો મારાજ તમે પૂછતા જ નથી.
"આ પૂછ્યું," મે કહ્યું: "ફરમાવો." 
“તમે સરપંચ છો એટલે મને એક એવું આઈ ડી ફાડી દ્યો.”  પછી આટલી વારમાં પહેલીવાર છાને અવાજે બોલ્યા: "વેવાર સમજી લેશું, ગઢમાં હાલ્યા આવજો રાતના આઠ પછી." 
“આ ગામમાં વળી ક્યાં કોઇ ગઢ છે ?”
“મારા એકઢાળીયા રહેણાકનું નામ મેં ગઢ રાખેલ છે. પરતાપી વડવાઓની એટલી યાદી તો ચિતરી રાખવીને ?”
“સારું." મેં કહ્યું:” પંચાયતના લેટરહેડ પર લખી દઉં. નીચે સહી અને માથે સિક્કો પણ ઠોકી દઉં. પણ એક વાતે મૂંઝાઉ છું કે મહીં લખવું શું.?વખાણવાજોગું કાંઈ નીકળશે આપના કુટુંબની માલીપામાંથી ?”
“ હા, ઈ કો'!  ગોલુભા પહેલીવાર વિચારમાં પડી ગયા,મને ગમ્યું. બાપુ વિચારક ભલે ના હોય,વિચારશીલ બી ભલે ના હોય .અરેવિચારમગ્ન પણ ભલે ના હોય. પણ એમને સાવ નાખી દીધા જેવો પણ વિચાર તો આવે જ છે એ બાબતે હું રાજી થયો.
ત્યાં તો એમની નજર સામી ભીંતે પંચાયતે ગામના કોક કોક રહીશોને મળેલા જાતજાતના એવૉર્ડ્સની યાદીના પાટીયા પર પડી.એની ઉપર એક પટ્ટીમાં લખ્યું હતું: “ગૌરવવંતા લાટા એવૉર્ડ ધારકો”
“મારાજ! ” બાપુની આંખો ચશ્મામાંથીય ચમકી: આ લાટા એવૉર્ડ વળી કઈ જણસ છે ?”
લાટા એવૉર્ડ એટલે લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ! એટલું લાબું બોલતા જેને ના ફાવે એના સાટુ આ ટૂંકામાં ટપકાવેલ છે. લાટા એવૉર્ડ'. મતલબ, ગામના જે જણ કે જણીએ જીંદગીમાં કોઈ ખાસ કામ કરી બતાવેલ હોય એને આપણી પંચાયત તરફથી આ લાટા એવૉર્ડ અપાય છે .સમજ્યા, બાપુ ?”
“ એમ !” બાપુ બોલ્યા; “ તો એ આપણે લેવો હોય તો કેટલા રૂપિયા આપવા પડે ?”
"અરે, બાપુ, એમાં રૂપિયા આપવાના ના હોય. પંચાયત  સામુકના એ મેળવનારને પાનસો-હજાર બક્ષીસના કરીને આપે.‘”
“ના પણ..."બાપુએ વળી મૂછે હાથ દીધો : "આપણને એવું મફતનું લેવું અગરાજ છે. જી ભાવ અત્યારે હાલતો હોય ઈ બોલો. આપણે  મૂલ ચુકવીને જ લેવો છે. બસ,આવો એકાદો લાટા એવૉર્ડ પંચાયત તરફેથી અમારી ફેમિલીને નામે અપવી દ્યો, મારાજ ! “ પછી બોલ્યા: એવૉર્ડ્ એટલે તો આબરુનું  ફરફરતું છોગું, નહીં? ઈ થી મોટું આઈ ડી બીજું શું હોય ? આ જ આબરુનું આઈ ડી !’”

મારા મનમાં એ વિચારને હું ખુરશી આપવા જતો હતો ત્યાં જ બુધ્ધિએ મને રોક્યો. હું બોલ્યો :.એવૉર્ડ્ ફેમિલીને નથી અપાતા,બાપુ, વ્યક્તિગત અપાતા હોય છે , તમારા ફેમિલીની કોઈ વ્યક્તિએ કોઈ સારો કામો, સોરી,સારું કામ કર્યું હોય તો એની વાત મને કરો. જોગવી દઉં એકાદો એવૉર્ડ એ કરનારના નામે." 
 “સારું એટલે ?” એ જરા ચિડાયા : તમે મારાજ, દાઢમાં તો નથી બોલતા ને ?" વળી અટકીને બોલ્યા: “તમે વળી અમારું કયું કામ નબળું જોયું ?”
અરે, એમ તપી મા જાઓ બાપુ , સારું એટલે સમાજસેવાનું ,યા કોઈ ક્ષેત્રે ઝળહળતી સિધ્ધિ મેળવી હોય, પરાક્રમ કર્યું હોય, ઉમરના પ્રમાણમાં મોટું સાહસ કર્યું હોયબીજા લોકોને પ્રેરણા મળેપ્રોત્સાહન મળે, દિશા મળે અને આગળ ધપવાનું  બળ મળે, બસ,એવું કાંઈક,એવું કાંઈક,એવું કાંઈક ..” 
"એવાં તો અનેક છે અમારા નામે, જેમ કે, એક વાર મેં... એક વાર મેં ..એક વાર મેં,,”
"એક વાર નહિં પણ અનેક વાર હશે બાપુ ,પણ  એક વાર પોલીસના ચોપડે ભલે ને કોઇ પરાક્રમ કરતા પણ ચડી ગયા હો તો પણ એવૉર્ડમાંથી  બાતલ ગણાઓ.” મને એમનો એક મામલો આખો યાદ આવી ગયો. "આપ,આપના ઠકરાણાંમોટા અને આ જેના ગોળધાણા ખવાવાના છે એ ફટાયા કુંવર રાયોટિંગનાભલે ને હુંય જાણું કે સાવ ખોટા ગુને ચોપડે ચડી ગયા હતા  પણ ..સાલા કાયદા બી આંધળા છે, બાપુ! એને તમારી બ્લેક સાઇડ જ દેખાય. એને એ ના દેખાય કે ભલાઈના કામો તો આપે અનેક કીધેલા છે. જેમ કે એક વાર આપે, એક વાર..એક વાર,,”

આગળની અંતકડી મને પૂરી કરી આપવાનું “ઘોડાને જાય “ કરીને બાપુ ફરી આંખો બીડીને વિચારમાં  ગરકાવ થઈ ગયા. થોડી વારે પોપચાં ઉંચક્યા. બોલ્યા : "છે, છે, એક વ્યક્તિ છે અમારી ફેમીલીમાંથી જ એક બાઈમાણસ છે . એને અપવી દ્યો એક એવૉર્ડ. એ કયેંય પોલિસ ચોપડે ચડેલ નથી. સમાજમાં એની કોઈ રાડ નથી. વળી ઉમરના પ્રમાણમાં ઘણું મોટું પરાક્રમ કરી બતાવેલ છે."
"ત્યારે બોલતા શું નથી ?" મેં કહ્યું: "ખીચું જરા પગતું રાખજો, હું ભ્રામણનો દિકરો છઉં, તમે એવૉર્ડ માગતા ભૂલોહું આપતા ભૂલું, તમારી ફેમિલીની એ લેડીને હું 'ઝાંસીની રાણી એવૉર્ડ' પંચાયત તરફથી અપવી દઉં. એવૉર્ડ કમીટીના ત્રણમાંથી એક હું છું , બીજી મારી ઘરવાળી છે ને એક મારો સાઢુ મૂઓ છે. પોતે કોને એવૉર્ડ આપેલ છે એની ખબર એ લોકોને પસ્તીનું  છાપું હાથમાં આવે તો અને ત્યારે જ પડે છે.ને રાજી બી થાય છે કે નિર્ણાયકો તરીકે એમનું નામ બી ઘણા વખતે છાપામાં આવેલ છે. વળી નામની આગળ શ્રી અથવા શ્રીમતી મૂકેલ છે. માટે બોલો, બોલો, ઝટ એનું નામ બોલો, એ સન્નારીબાએ કરેલ પરાક્રમની વાત મને ઝટ લખાવો."

"એનું નામ તેજુબા જોરસંગ રાજવંશીઅને પરાક્રમ લખો, પરાક્રમ બહુ નાની વયે પગભર થાવાનું. "
"એમ?આપના  મોટાનાં પહેલા નંબરનાં  બેબીબા એવડાં મોટાં થઇ ગયાં ?"
અરે ,પહેલાં કે બીજા ઈ એક જ છે, પહેલાં ના કીધું ? દોઢ વરસનાં છે. પણ એના પરાક્રમની વાત તો નોંધી લો હવે ! બીજા બારકો અગીયાર મહિને પગ પર ઉભાં રહેતા શીખે, તેજુબા આઠ મહિનાની ઉમરે ઉભાં રહેતાં શીખી ગયાં. અરે. અમે એનો ઈ વખતનો ફોટો બી પાડેલ છે. બસ, હવે તમે બહુ પૂછગંધો મા લ્યો."
બાપુએ ગજવામાં ઉંડો હાથ નાખ્યો ને મને હજારની નોટોને બૂ આવી.અને મારી કલમ એક બમ્પ વટાવીને આગળ ચાલી; "ઉમરના પ્રમાણમાં અનન્ય પરાક્રમ- 'ઝાંસીની રાણી મહિલા લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવૉર્ડ-કુમારી તેજુબા જોરસંગજી રાજવંશી!
કાગળમાં સિક્કો મારીને સહી કરી ને બાપુને સૂચના આપી. છાપામાં સમાચાર ભલે આપજો પણ ..બાપુ  એવૉર્ડ મેળવનાર બેબીબાનો ફોટો ભૂલેચુકેય આપતા નહીં. નીકર ગામ મને મારવા દોડશે ને સરકાર નોકરીમાંથી કાઢી મુકશે,પછી મારે તો મરવાવારો આવશે."
"તમે અમને શું શિખવતા'તા ? ઈ તો અમને આવડે, મા'રાજ." બાપુ ઘુરકાટ જેવા સ્વરે બોલ્યા : "ફોટા માગનારને અમે તો કહી દઇએ કે અમારામાં બાયું બેનુંના ફોટા છાપામાં નથી અપાતા."

"આવો રિવાજ ઘડનારા આપના પ્રતાપી પૂર્વજોને વંદન છે."મેં કહ્યું; “ એમણે તો આપને બ્રહ્મહત્યાના પાતકમાંથી ઉગારી લીધા !” 

(તસવીર: નેટ પરથી) 

Saturday, August 1, 2015

ધન ધન ધનબાઈ ! (૨)

(અત્યાર સુધી વાંચ્યું: ધનબાઈના જીવનમાં અંધારા બોગદા જેવો સમય ચાલી રહ્યો હતો. પતિની વિકૃતિઓ, પિતાનું અવસાન અને આ બધાની વચ્ચે આત્મહત્યા નહીં કરવાનો ધનબાઈનો દૃઢ નિર્ણય. જીવનના તમામ પડકારો તે ઝીલી રહ્યાં હતાં. પણ હવે આ બોગદાના છેડે પ્રકાશની એંધાણી દેખાઈ રહી હતી. 
હવે વાંચો આગળ.) 

        
હીરજીભાઈ બેકાર હતા અને ઘરમાં ટંકટંકના સાંસા હતા ત્યાં એક દિવસ ઘરમાં મહેમાન આવ્યા. ધનબાઈ પડોશમાંથી માગેલો-તાગેલો લોટ લાવીને રોટલી વણવા બેઠાં. મહેમાનોમાંથી એક બાઈ માણસે વળી રોટલી વણવા દેવાની વિવેક-તાણ કરી. ધનબાઈએ ના પાડી. ખેંચતાણીમાં રોટલી વણવાની પાટલી તૂટી ગઈ. એટલે વળી દુકાળમાં અધિક માસ ! ધનબાઈ તાબડતોબ મહાવીર બિલ્ડિંગમાં આવેલી કચ્છના લીલાધર બાપાની દુકાને પાટલી લેવા ગયાં. પૈસા તો હતા નહીં, કહ્યું કે બાકી રાખો. પછી સગવડે આપી જઈશ. બીજી વાર જ્યારે ધનબાઈ પૈસા આપવા ગયાં ત્યારે લીલાધર બાપાએ પોતાનાં પત્ની-બાળકો સાથે ઓળખાણ કરાવી અને અચાનક જ પૂછ્યું : ક્યાંય ભણાવવા જાઓ છો, બહેન ?

            પ્રશ્ન સાંભળીને ધનબાઈની આંખમાં પાણી આવી ગયાં. બાપાએ પૂછ્યું : કેમ માઠું લાગ્યું ? ધનબાઈ બોલ્યાં : ના રે, મને રોવું તો એટલા માટે આવ્યું કે ભણાવવાની તમે વાત કરીને ? હું શું ભણાવી શકવાની હતી ? હું પોતે જ જ્યાં ત્રણ ચોપડી ભણી છું ત્યાં ! બાપા ખામોશ થઈ ગયા. થોડી વાર પછી વળી કંઈક યાદ આવ્યું એટલે પૂછ્યું : તમને ધરમનું કંઈ આવડે છે ?ધનબાઈ તરત બોલ્યાં : ધરમનું શિક્ષણ તો મને બહુ મળ્યું છે, પણ આજકાલ ધરમના શિક્ષણની પડી છે કોને ? બાપા મરકીને બોલ્યા : મારે મારા દીકરાઓને ધરમનું શિક્ષણ આપવું છે. હમણાં તો દુકાન મારી માનાં ઘરેણાં વેચીને શરૂ કરી છે, એટલે પગાર કેટલો આપીશ તે અત્યારે કહી ન શકું, પણ કંઈક તો આપીશ જ. ને તમનેય જરૂરત છે તે સમજું છું.

        બાપાને ત્યાં ધનબાઈએ ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તે બે વર્ષ સુધી પગાર માસિક રૂપિયા દસમાંથી વધીને પચાસ થયો. ત્યાં દાદરના શ્રી શાંતિનાથના દેરાસરમાં પાઠશાળામાં માસિક સવાસોના પગારથી ધર્મનું શિક્ષણ આપવાની નોકરી પાકી થઈ ગઈ. એ પછી એક દવાખાનામાં કામ મળ્યું.
        ત્યાં જ સમાચાર આવ્યા કે પ્રતાપ મિલમાં કામ કરતા એના પિતા મિલમાં જ બેભાન થઈ ગયા અને સ્થળ પર જ કૅન્સલ થઈ ગયા. એમનું કરજ ચૂકવ્યા પછી ધનબાઈના ખોળામાં ઓગણીસસો રૂપિયા આવ્યા. એમાંથી એ વળી સમેત શિખરજીની જાત્રા કરી આવ્યાં.
        પણ એ પછી તરત જ હીરજીભાઈના સંગ્રહણીના રોગે માઝા મૂકી. એમને કે.ઈ.એમ. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ને ત્યાં જ એ અવસાન પામ્યા.

        ધનબાઈના પરિવારમાં કોઈ રહ્યું નહીં. પુત્રી કાંતા થોડા જ સમય અગાઉ ગુજરી ગઈ હતી. એની પુત્રી નલિની હતી.
        નોકરી પણ ગઈ. હવે શું કરવું ? મિલમાંથી હોલસેલના ભાવે લોકવર્ણ વાપરે તેવું કાપડ ધનબાઈ લાવવા માંડ્યાં અને ફેરી કરનારી બહેનોને સવા છ ટકા કમિશન ચડાવીને દેવા માંડ્યાં. આમ ગાડું ચલાવ્યું.
        પાંચ હજારનું કરજ કરીને પછી તો એમણે દૌહિત્રી નલિનીને પણ એમણે જાતે પસંદ કરેલા છોકરા સાથે પરણાવી.
        પછી સાવ એકલવાયાં થઈ ગયાં. પણ જિંદગીમાં નવો વળાંક આવ્યો ને ત્યારે જ ગાંધીજી એમને ક્યાં યાદ આવ્યા ? ને એમની જિંદગી કઈ દિશામાં કેવી રીતે ફંટાઈ ?

0 0 0

      જિંદગીની આ ચડઊતર દરમ્યાન હુબલીમાં એક વાર જાનકીદેવી બજાજનો પરિચય થયો હતો. પણ એ ગાઢ બને તે પહેલાં જ છૂટાં પડી જવાનું બન્યું હતું. ધનબાઈ જ્યારે સાવ એકલવાયાં થઈ ગયાં, ત્યારે જાનકીદેવી એમને સ્મરણે ચડ્યાં. તરત ઘરને તાળું મારીને ધનબાઈ વર્ધા ઊપડ્યાં ને એમને બંગલે પહોંચ્યાં. ત્યાં તો એ દિલ્હી જવાની તૈયારીમાં પડ્યાં હતા. ધનબાઈને જોઈને એ ભેટી જ પડ્યાં. અને ખબર અંતર પૂછી. ધનબાઈ શું બોલે ? ધીરે ધીરે વાત કરી કે પાંચ હજારના કરજમાં કેવી રીતે ડૂબ્યાં.
જાનકીદેવી બજાજ સાથેની મુલાકાતે તેમના
જીવનની દિશા બદલી નાંખી 
      જાનકીદેવી બોલ્યાં : એ બધો જ ઇલાજ પછી થઈ રહેશે. હાલ તો તમને એક સારા સમાચાર આપવાના કે સામે ચાલીને અખિલ ભારત ભૂદાન પદયાત્રાનું ઉદઘાટન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કર્યું છે. એમાં તમામ પદયાત્રીઓની સારસંભાળ લેવા, માંદા પડે તો સંભાળ રાખવા અને એમની નાની નાની જરૂરતોનું ધ્યાન રાખવા કોઈ પીઢ બહેનની જરૂર હતી. તમે મને એ માટે તરત યાદ આવ્યાં. ને જુઓ આ પત્ર... એમણે એક બંધ કવર કાઢીને બતાવ્યું ને બોલ્યાં : આ મેં તમને લખીને પોસ્ટ કરવા જ સાથે લીધું છે, ને તમે સામે જ આવી મળ્યાં ! અદભુત સંકેત છે. જોડાઈ જ જાઓ.

        ધનબાઈને ક્યાં કોઈની રજા લેવાની હતી ? વિનોબાજીના સાન્નિધ્યમાં આવો લહાવો ફરી ક્યારે મળવાનો હતો ? એ તરત જ તૈયાર થઈ ગયાં. લાગતું હતું કે જ્યાં નરકની સરહદ પૂરી થતી હતી ત્યાં જ સ્વર્ગ માટેની પ્રવેશરેખા શરૂ થતી હતી.

        મુંબઈ આવી, ખાદીનાં બે જોડ કપડાં લઈને એ તરત જ વર્ધા પાછાં ફર્યાં. બિછાવવા માટે નાની શેતરંજી, કપડાં વીંટાળીને ઓશીકા તરીકે ઉપયોગમાં લઈ શકાય એવો ટુવાલ, પાણી પીવાનો ગ્લાસ અને ઓઢવા માટેની ચાદર, એક પેટીચરખો, આટલો સામાન જાતે ઉપાડીને ચાલવાનું અને સવારના પાંચથી ઊઠીને દિનચર્યા શરૂ થાય. નાસ્તામાં ખજૂર અને સવારના પાંચથી ઊઠીને દિનચર્યા શરૂ થાય. નાસ્તામાં ખજૂર અને દાળિયા, સીંગ, ચણા, બાફેલા ચણા કે સેવ-મમરા. રસ્તામાં ગામો આવે ત્યાં સફાઈ, માંદાની માવજત, સંડાસ, ગટરોની સફાઈ પણ કર્યે જતાં.

        એક દિવસ નારાયણ દેસાઈએ એમની રુચિ પારખીને કહ્યું : ધનબાઈ, આ પારડી ગામ છે. ગુજરાતી ગામ. તમારે દસ મિનિટ વાર્તાલાપ આપવાનો છે !

        ધનબાઈએ પ્રથમ તો ભારે ગભરાટ અનુભવ્યો. આનાકાની પણ કરી. પછી મનોમન સાવ નાની વયમાં હાજરી આપેલી તે ગાંધીજીની સભા, એમની પ્રાર્થના અને આત્મતેજને યાદ કર્યાં, ને મનમાં નવકાર મંત્રનો જાપ કરીને ભાષણ શરૂ કર્યું. દસ મિનિટ ક્યાં ગઈ તેની સૂધ ના રહી. ભાષણ પૂરું થયું ને તાળીઓના ગડગડાટ થયા ત્યારે સમજાયું કે એમનામાં આ શક્તિ પણ સુષુપ્ત રીતે પડી હતી.
        પછી તો નારાયણ દેસાઈએ એમને રોજ ભાષણ આપવાની વિનંતી કરી. ભાષણની અવધિ દસ મિનિટમાંથી વધીને સવા કલાક સુધીની થઈ ગઈ. ને ધનબાઈની વાગ્ધારા અસ્ખલિત રીતે ચાલવા માંડી. ચાલી રહી.
        પદયાત્રા બે માસ ચાલી અને ધનબાઈનું જીવન પલટાઈ ગયું. એમને ભજનો સ્ફુર્યાં અને આ એ બધાં જ એમણે ડાયરીમાં ટપકાવી લીધાં. વિનોબાએ એમને એક વાર માતાજી તરીકે સંબોધન કર્યું ત્યારથી એ સૌનાં માતાજી બની રહ્યાં.
0 0 0

        ધનબાઈની આ કથની હજુ વધુ લંબાય છે. ભજનકીર્તનથી માંડીને મુંબઈ પરત આવીને નાલા સોપારામાં બાલમંદિર, સીવણક્લાસ અને અંબરચરખાના વર્ગ સુધી.

        પણ એ તો આખી એક નવલકથાની સામગ્રી છે.

        પણ પ્રશ્ન એ છે કે આજે એક્યાસી વરસના થવા આવેલાં ધનબાઈ પગે ચાલીને લાંબુ અંતર કાપીને, પગથિયાં ચડીને આ લખનારથી વિનંતીથી મળવા આવ્યાં ત્યારે એમના ચહેરા ઉપર જીવનભરની વ્યથાને ઘોળીને પી ગયા હોય ને તેમ છતાં અમૃતનો ઓડકાર આવ્યો હોય તેમ નિખાલસ, નિર્દોષ સ્મિત હતું. આંખોની એમને તકલીફ મુંબઈના યુવાન પારસી ડૉકટર કેકી મહેતાએ નિવારી આપી હતી. એટલે વારંવાર ભારે આભારવશ થઈને તેમનું સ્મરણ કરતાં રહ્યાં. ચૌદેક જેટલાં પુસ્તકો એમણે લખ્યાં, પ્રગટ કર્યાં અને સંખ્યાબંધ સંસ્થાઓમાં ભરચક મેદની વચ્ચે એમણે ધર્મ, અધ્યાત્મ અને જીવનને પ્રેરક એવા વિષયો પર પ્રવચનો આપ્યાં. છતાં ચહેરા પર જરા પણ ભાર નહીં.

        માજી, મેં પૂછ્યું : ક્યાં રહો છો ?
        એમનો મલકાટભર્યો જવાબ : ભાઈ, ધનલક્ષ્મી એચ. શાહ, એટલું શરીરનામ મારું પૂરતું નથી. માથે છાપરું પણ જોઈએ. છેલ્લાં પચ્ચીસ વર્ષથી હું કચ્છી દશા ઓશવાળ ટ્રસ્ટના મહિલા આશ્રમ નામે ભગિનીગૃહ, રૂમ નંબર 30, ચોથા માળે, જૂના-અનંતભવન, નરસી નાથા સ્ટ્રીટ, મુંબઈને સરનામે રહું છું. મારા જેવી તેર એકલવાયી બહેનો ત્યાં ઘર જેવી સગવડ સાથે જીવે છે.
        એની કથા ? મતલબ કે એ ભગિનીગૃહની કથા ? મેં પૂછ્યું.
        એ વળી ક્યારેક એમણે કહ્યું ને બિલકુલ તંદુરસ્ત લાગે એવી એકાશી વરસની કરચલિયાળી લાલી સાથે મલક્યાં.

(સંપૂર્ણ) 

(આ લેખ 1988 માં લેવાયેલી મુલાકાતના આધારે લખાયો છે. હાલ ધનલક્ષ્મીબહેનના કોઇ સમાચાર નથી. ) 
(તસવીર નેટ પરથી)