Tuesday, July 1, 2014

શરીર વિરોધી બની ગયું હતું. સંજોગો સામા થતા હતા અને ખિસ્સાં ખાલી હતાં. ભારત પાછા તો ફર્યા, પણ અર્ધા વૃદ્ધ થઈને. ત્રણ વર્ષ પથારીમાં આરામ કરવો પડશે એમ વિયેનાના ડૉક્ટરોનું કહેવું હતું. ભારતમાં આવીને ત્રણ વરસ આરામ કરવો એ ત્રણ માઈલ લાંબા અંધારા બોગદામાંથી ધીમી ચાલે પસાર થવા જેવું.
              છતાં છ માસ જામનગર સેનેટોરિયમમાં આરામ કર્યો. આથી વધુ પરવડે તેમ નહિ. હરતાફરતા થઈ ગયા એટલે બહાર નીકળી ગયા. કુટુંબની જવાબદારી તો હતી જ, પણ શસ્ત્રમાં ફોટોગ્રાફી ઉપર આવી ગયેલી પક્કડ સિવાય કંઈ જ ન મળે. વિયેના જતી વખતે સી.એન. વિદ્યાલયની પાંત્રીસ રૂપિયા પગારની નોકરી છોડી હતી. એ જગ્યા પર ચિત્રકાર રસિકલાલ પરીખ ગોઠવાઈ ગયા હતા. હવે ક્યાંય પગ મૂકવા વારો નહોતો. ૧૯૩૭નું બાકીનું આખું વરસ વતન સાણંદમાં કાઢવું પડ્યું. માત્ર ૧૯૩૮માં હરિપુરા કૉંગ્રેસ વખતે જ ઘરની બહાર નીકળવાનું બન્યું.
ત્યાં એક પત્ર આવ્યો. જૂના મિત્ર પદ્મકાંત વૈદ્યનો હતો. લખતા હતા કે આરામ કરવા માટે મુંબઈ આવ. આ વાત કદચ વધારે ભાવતી હતી. મુંબઈ અને ફિલ્મ એકબીજાનો પર્યાય અત્યારે પણ છે. ત્યારે પણ હતા. જગન મહેતાએ તક ઝડપી લીધી. આ અગાઉ ૧૯૩૩માં મુંબઈમાં મહેતાએ તક ઝડપી લીધી. ૧૯૩૩માં મુંબઈ એક જ વાર જોયું હતું અને તે કલાકાર કનુ દેસાઈના લગ્ન વખતે. પ્રેમલગ્ન હતા. કનુભાઈ બ્રહ્મક્ષત્રીય અને કન્યા નાગર. જીવરાજ મહેતાની સાળી. આવા લગ્ન હતા એટલે વરના બાપ તરીકે રવિશંકર રાવળ હતા અને જાનૈયામાં જગન એક જ. બસ, મુંબઈની એ પહેલી મુલાકાત વેળા ફિલ્મોના આકર્ષણે સ્ટુડિયો જોયો હતો. આ ૧૯૩૯માં બીજી વાર જોયું. ફિલ્મોનું આકર્ષણ છૂટ્યું નહોતું એટલે મુંબઈ જતાવેંત ગુણવતરાય આચાર્યની ઓળખાણથી રણજિત સ્ટુડિયોમાં જવાનું શરૂ કર્યું. ‘સંત તુલસીદાસફિલ્મ બનતી હતી. જગનભાઈના મનમાં ચમકારો થયો. દિગ્દર્શક અથવા કૅમેરામેનનું કામ મળે ? વિષ્ણુપંત પાગનીસ, પૃથ્વીરાજ કપૂર, લીલા ચીટનીસ, ચાર્લી, દીક્ષિત અને ઘોરી જેવા સાથે કામ કરવા મળે ?
********************************************************************************
          અરે ! જગન મહેતાના મનમાં એકાએક ફ્લૅશથયો આ તો કવિ નાનાલાલ અને માણેકબા ! એમનાં પત્ની ! અહીં જૂહુના દરિયાકિનારે ક્યાંથી ?
           પછી જાતે ને જાતે જવાબ મેળવી લીધો. હું અહીં ફિલ્મોમાં જોડાવા આવ્યો છું. મારે મન ફિલ્મી દુનિયા અને એના સરતાજો જ સર્વસ્વ છે. રોજ રણજિત સ્ટુડિયોમાં આંટાફેરા મારું છું. ત્રિલોક કપૂર સાથે પણ સંબંધ થયો છે. સાગર મુવીટોનના નંદલાલ જસવંતલાલને પણ મળ્યો, પણ તેમણે બહુ મોં-મન આપ્યાં નથી છતાં મારા મનમાં આ બધા ઘૂમે છે. પણ ફિલ્મી દુનિયા સિવાય પણ મોટી હસ્તીઓ આ મુંબઈ શહેરમાં હોય, એ કેમ મારા ખ્યાલમાં નથી આવતું ? જૂહુના દરિયાકિનારે જુવાન ગુલાબદાસ બ્રોકર પણ આવે છે અને વયોવૃદ્ધ કવિ નાનાલાલ, ઉમાશંકર જોષી, જગનમોહન મિસ્ત્રી પણ આવે. એમની આ જીવનસંધ્યા છે અને સંધ્યાકાળે જ સખીસાથે સમુદ્રકિનારે ફરવા આવે છે. એમના ઝાઝા દિવસો હવે શેષ નથી. એમની આ તસવીર પાડી લીધી હોય તો ?
            આ વિચાર સાથે જ મનમાં ખટકા જેવો વિચાર ઊઠ્યો. પણ કેમેરા ક્યાં ? નાનકડા મૅક્સીમાર કૅમેરાથી આ તસવીર લેવાનું કેવું હાસ્યાસ્પદ લાગે ! કોઈ સરસ કૅમેરા હોવો જોઈએ. ભલે ઉછીનો તો ઉછીનો, પણ સરસ કૅમેરા જોઈએ.
         એ સંધ્યા તો વીતી ગઈ, પણ બીજી સંધ્યાએ જગન મહેતા પોતાના એક મિત્ર નાનુભાઈ કોઠારી (કકલભાઈના નાનાભાઈ)નો કૅમેરા લઈને હાજર થઈ ગયા. સારી વાર રાહ જોઈ. ફરી સંધ્યા ઊતરી આવી. સૂર્ય સમુદ્રમાં ડૂબવાની તૈયારીમાં અને આખું આકાશ લાલ ઉજાસથી રંગાઈ ગયું અને એટલામાં જ કવિ ધીમી ચાલે આવતા દેખાયા. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજો હાથ વૃદ્ધા પત્નીના ખભે. લાંબો ઝભ્ભો અને ધોતિયું. પડછંદ છતાં કૃશ દેહ. કવિએ સ્મિત કર્યું : ‘અરે ભાઈ, હવે આ ઉંમરે અમારા ફોટા કેવા ! હવે તો અમે...’ એમણે ડૂબતા સૂરજ તરફ લાકડી ચીંધી. ‘ડૂબી ગયા પછી થોડો સમય પાછળ ઉજાસ રહેશે. પછી તો એ પણ લુપ્ત...’
           જગન મહેતાએ કંઈ દલીલ ના કરી; પણ આંખોમાં એવો ભાવ લાવ્યા કે કવિ ના ન પાડી શક્યા. બલકે જગન મહેતાને અનુકૂળ થયા. એમણે લાકડી હાથ બદલીને બીજા હાથમાં રાખવા કહ્યું તો એમ કર્યું. આગળ ચાલવા કહ્યું, તો એમ કર્યું અને પછી ભીની રેતી પર કવિના પગલાંના નિશાન બરાબર ઊઠે તેવી રીતે પાછળથી એમની તસવીરો લીધી. પછી નામ આપ્યું, જલધિતટે કવિ. કુમારમાં એ ફોટો છપાયો અને એ તસવીર જ એમનું પિક્ટોરીયલ વર્લ્ડમાં પ્રથમ પદાર્પણ. એ ચિત્ર અમર બની ગયું. કવિની જીવનસંધ્યા અને આકાશી સંધ્યાનું એવું તો અદભૂત સંયોજન એ ફોટોગ્રાફમાં ઊતર્યું, એ માત્ર નિર્જીવ ચિત્રને બદલે કાગળ પર છાયાંકિત કવિતા બની ગઈ. ખુદ કવિ નાનાલાલ અને માણેકબા તો રાજી થયા જ, પણ ફરેદૂન ઈરાની પણ ફીદા થઈ ગયા.
            પણ એમનું ફીદા થવું કશું કામમાં ન આવ્યું. ફિલ્મોમાંથી રળી શકાય એવું ન લાગ્યું. ત્રીસ વરસની વયે જ્યારે પિતા ગાંધીજીની ચળવળમાં જોડાઈ ગયા હોય, આવક પાતળી થઈ ગઈ હોય, માથે દેવું હોય એ વખતે ફિલ્મોની આકાશી આવક પર મદાર રાખી શકાય નહીં. માત્ર કોઈ રાજી થાય એ ન ચાલે, રોજી મળવી જોઈએ. એ ન મળે તો સમજવું કે કાં આપણામાં વેતા નથી ને કાં વેપારી સૂઝ નથી.
          પાછા ફરવા સિવાય આરો નહીં.
૧૯૩૯ની સાલના અંતમાં જગન મહેતા સાણંદ અને પછી અમદાવાદ પાછા ફર્યા. જૂના અને જાણીતા સંઘરનાર કુમાર કાર્યાલયવાળા બચુભાઈ રાવત તો હતા જ. ફરી સમાવી લીધા. વિયેના રીટર્ન્ડ અને ફોટોગ્રાફીના ક્ષેત્રમાં નામનાની શરૂઆત નોંધાવનાર જગન મહેતાનો પગાર થયો માસિક પચ્ચીસ રૂપિયા. કામ શું કરવાનું ?
           બ્લૉક મેઈકિંગ.! ફોટોગ્રાફી સાથે જેને કોઈ નિસ્બત નહીં.
           ‘મારો અભ્યાસ ભલે વિયેનામાં અધૂરો રહ્યો, પણ આપના રાજ્યની સ્કૉલરશિપથી હું ત્યાં જે કંઈ જાણી ભણી શક્યો તેનો લાભ ભાવનગર રાજ્યને આપી શકાય તો મારી એવી ઈચ્છા છે કે કંઈક સેવા આપું.’
             કુમારની ત્રણ-ચાર માસની નોકરી કે જેમાં રોજના એક રૂપિયો પણ પગાર ન થય તેનાથી કંટાળીને કંઈક આવો પત્ર જગન મહેતાએ ભાવનગરના દીવાન સર અનંતરાય પટ્ટણી મારફત હિઝ હાઈનેસ કૃશ્ણકુમારસિંહજીને લખ્યો. જવાબમાં એમણે રૂબરૂ બોલાવ્યા. બોલાવ્યા ખરા, પણ કંઈ નોકરી ના આપી. હા, ત્રણ-ચાર માસ ભાવનગર રહ્યા એ દરમિયાન રાજ્યના ત્રણચાર પ્રસંગોની ફોટોગ્રાફી કરી આપી. એમાં ખાસ તો રેસિડન્ટ ગિલ્સનની મુલાકાત, કૃષ્ણકુમારસિંહજીનો ગ્રામસંપર્ક, કુમાર વીરભદ્રસિંહજીના જન્મ દિવસની ઉજવણી અને એની ગાર્ડન પાર્ટી જેવા પ્રસંગોનો તસવીરસપુટ. મુખ્ય ફરી એની એ જ વાત. કામ વખણાયું. રાજીપો મળ્યો, પણ રોજી નહીં.
            બહુ મૂંઝવણમાં હતા ત્યાં સાણંદના ઘેરથી પત્ર આવ્યો-બાને કૅન્સર હતું અને બાપુજી ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવા જવાના હતા. આ અગાઉ પણ વારંવાર જેલમાં ગયેલા અને હજુ પણ જેલમાં જવા તત્પર; એથી ઘેર કોઈએ માંદા માણસનું ધ્યાન રાખવા રહેવું જોઈએ એટલે જગનને બોલાવ્યા હતા. એમણે તત્કાળ જવું પડ્યું. ઘેર જઈને જોયું તો માંદાં બા અને મક્કમ પિતા વચ્ચે ગજબની સમજણ પ્રવર્તતી જોઈ. નિયત તારીખે પિતા (વાસુદેવ વૈદ્ય) સત્યાગ્રહમાં જવાના તે જવાના જ હતા. માંદી માતાની એમાં જરા પણ અસંમતિ નહીં. પછી ભલે એ કૅન્સરના કારણે મૃત્યુના મોં ભણી ધસમસતી જઈ રહી હોય. જવાનો નક્કી થયેલો દિવસ આવ્યો એટલે જગન મહેતાએ જોયું કે બાપુજીએ ફઈબા પાસે કપાળે કંકુનો ચાંલ્લો કરાવ્યો. પછી બાની પથારી પાસે આવ્યા. બા પથારીમાંથી બેઠાં થઈ શકતાં નહોતાં એ પણ જગન મહેતાએ જોયું. છતાં પિતા બોલ્યા : ‘તું ખુશીથી મને હસતે ચહેરે વિદાય આપ.’ બા ક્ષીણ જેવું હસ્યાં. પિતાએ એમના માથે હાથ ફેરવ્યો અને પછી ભગવાનને ભરોસે બધું છોડીને ઘરનો દાદરો ઊતરી ગયા.
             જગન મહેતાને એ વખતે ગાંધીજી પર રોષ આવત. એવો તે કેવો આ મહાત્મા કે જે માણસને આવો નઠોર બનાવી દે છે ! પણ એમને રોષ ન ઊપજ્યો. ઊલટાનું એમ થયું કે આવી વિભૂતિની તસવીરો લેવી જોઈએ.
             આ ઝંખનાની પછવાડે પણ એક મનોસંધાન હતું. ગાંધીજીને પ્રથમવાર ગોધરા મહાસભાની બેઠકમાં સાંભળ્યા હતા. એ વખતે ઉંમર દસ-અગ્યારની. જગન મહેતાનું સાણંદનું ઘર જ એમના રાષ્ટ્રવાદી પિતાને કારણે સાણંદ તાલુકા સમિતિ સરખું થઈ ગયેલું. બધા જ નેતાઓનો ઉતારો, ખાણી-પીણી બધું જ એમને ત્યાં. દરબાર ગોપાળદાસ, અબ્બાસઅલી તૈયબજી, રવિશંકર મહારાજ જેવાના સતત સત્સંગ. પણ પછી દસેક વર્ષનો ગાળો પસાર થઈ ગયો. એમાં પણ ગાંધીજી ચિત્ત પરથી ભૂંસાયા નહીં. ૧૯૩૧-૩૨માં રાષ્ટ્ર્રીય ચળવળ પુરજોશમાં ચાલી. દારૂના પીઠા પર પિકેટિંગ થતાં તેની અને બે વર્ષ પહેલાં થયેલા મીઠા સત્યાગ્રહની સ્લાઈડો અને પ્રોજેક્ટર ભરૂચમાં છોટુભાઈ પુરાણીને ખાનગીમાં ખાનગી રીતે પહોંચાડવાનું જોખમી કામ જગન મહેતાએ માથે લીધું હતું અને પાર પણ પાડ્યું હતું. પણ બદબખ્તી એ કે એ કામ પાર પાડ્યા પછી વળી દારૂના પીઠા પર પિકેટિંગ કરવા માટે જીવ ઝાલ્યો રહ્યો નહીં ને પિકેટિંગ કરવા ગયા ત્યારે બીજા ચાર-પાંચ પિકેટર્સ ભેગા જગન મહેતાને પણ જેલ ભેગા કર્યા બ્રિટિશ સરકારે. પિતાએ આ સમાચાર જાણ્યા એટલે એ ખિજાયા નહીં, પણ ઊલટાનો વાંસો થાબડ્યો : ‘મારા કરતાં તું પ્રથમ ભાગ્યશાળી થયો કે મારા કરતાં પહેલા ગાંધીજીના કામ માટે જેલમાં ગયો. શાબ્બાશ દીકરા !’ ગાંધીજી માટેનો આ પિતાનો પૂજ્યભાવ જગનભાઈમાં વધીને વડ થઈ ગયો. જો કે જેલમાં પંદરેક દિવસ રહ્યા પછી મુકદ્દમો ચાલ્યો ને પછી ત્રણસો કે પાંચસો દંડ ફટકારીને ટીંગાટોળી કરીને કોર્ટ રૂમની બહાર ફેંકી દીધા જગન મહેતાને. (પણ એ માત્ર પંદર દિવસની જેલ હતી, એટલે અત્યારે એ સ્વાતંત્ર્ય સેનાની મળતા પેન્શનને પામવા હકદાર નહીં, એ આયરની !) આ પછી પણ ૧૯૪૨માં કિવટ ઈન્ડિયા ચળવળ વખતે પોસ્ટર પબ્લિસિટીની ચકોરસાથે કરેલી ભૂગર્ભ કામગીરી. જેલમાં જાય તો કામ કોણ કરે ? એટલે જેલને ટાળતા રહ્યા ને આ રીતે ભવિષ્યના પેન્શનને પણ જાણ્યે-અજાણ્યે ટાળતારહ્યા.
             એટલે ગાંધીજી પર રોષ તો લેશ માત્ર નહીં, ઊલટાનો ભક્ત સરખો ભાવ.
             જગન મહેતા પછી એમના પિતાને પણ છ માસની જેલ પડી. પૂરી થયે પાછા ઘેર આવ્યા ત્યારે બા જીવતાં તો હતાં. બા-બાપુજીનો મોં-મેળો થઈ તો ગયો; પણ એ સમ ખાવા પૂરતો જ-કારણ કે એ પછી એક જ મહિને પિતાના જન્મદિવસે જ જગન મહેતાએ માતાને ખોયાં.
            આ બધું છતાં પણ ગાંધીજીની તસવીરો ઉતારવાની ઈચ્છા જોર પકડતી જતી હતી. પાસે મુવી કેમેરા હોય તો સારું એમ પણ લાગતું હતું. પણ વળી મનોમન મરકવું પણ આવી જતું હતું કે અરેરે, સારો કેમેરો પણ વસાવી શકાયો નથી ત્યાં મુવી કેમેરાની તો વાત જ શી ?
           ત્યાં મિત્ર મનુભાઈ ત્રિવેદીએ પત્ર લખીને પૂછ્યું કે ગાંધીજીના ફોટા લેવા છે ને ? ડૉ. મનુભાઈ ત્રિવેદી એ જગન મહેતાના પરમ મિત્ર. એ એમના વિયેનામાં જ મિત્ર બનેલા મૂળ ડૉક્ટર. પણ જમનાલાલ બજાજની ઈચ્છાથી અમદાવાદનો કન્સલ્ટિંગ રૂમ સમેટીને વર્ધા સ્થાયી થયા હતા. જગન મહેતાની ગાંધીજી તરફની ઉત્કંઠા પત્રો દ્વારા એમણે પ્રમાણી લીધી હતી. તેમણે લખ્યું કે વર્ધા આવી જાઓ. તમારી ઈચ્છા મુજબનું બધું જ ગોઠવી શકાશે. અઠવાડિયે એક વાર તો મારે સેવાગ્રામ જવાનું થાય જ છે. વળી કાકાસાહેબ કાલેલકર પણ ત્યાં જ છે. તેમની પાસેથી પણ તમને કંઈ નવી દ્રષ્ટિ મળશે. માટે આવો. વર્ધા આવો.’
પણ આવો એટલે શું ? ભલે મનુભાઈ બોલાવે, જમના-લાલજી સગવડ આપે; પણ સાધન ? એ કોણ આપે ? અને વર્ધા જવાનું ગાડીભાડું ? ખર્ચ ? એ ક્યાંથી કાઢવું ?
           આ પ્રશ્નોના જવાબ નાણાબળ વગરના હતા એટલે પછી સપનું મનમાં જ ભંડારી દીધું. એના બદલે સાણંદ દરબાર રૂદ્રદત્તસિંહજીની જાન મહીસૂર જવાની હતી. એના ફોટા લીધા. ત્રણેક હજારનું કામ થયું. થોડું દેવું ફીટ્યું ને મૂળ તો વિશ્વાસ આવ્યો કે ફોટોગ્રાફી ઓછામાં ઓછો આપણને રોટલો તો રળી જ આપશે.
********************************************************************************
           આ પછી તો બે-પાંચ વરસ વીતી ગયાં. વચ્ચે મુંબઈના એક સ્ટુડિયોમાં નોકરી પણ કરી લીધી અને ગુલામીનો કડવો સ્વાદ પણ ચાખી લીધો. એ સ્ટુડિયોની નોકરી છોડતી વખતે પાકો નિર્ણય કર્યો કે જિંદગીમાં કદી ફરી નોકરી તો કરવી નહીં. ફરી અમદાવાદ આવ્યા. ૧૯૪૭માં સરસપુરમાં હાજા પટેલની પોળ સામે પોતાનો જ પ્રતિમા નામથી સ્ટુડિયો સ્થાપ્યો. આ બધા જ રઝળપાટ દરમિયાન ગાંધીજીના ફોટા લેવાની ઈચ્છાએ ઝંખનાનું સ્વરૂપ પકડી લીધુ હતું.
૧૯૪૭ના એ દિવસોમાં જ એક સવારે અમદાવાદના સ્વામીનારાયણ સંપ્રદાયના ગાદીપતિ શ્રી દેવેન્દ્રપ્રસાદજીનું તેડું આવ્યું. એમના પુત્ર શ્રી તેજેન્દ્રપ્રસાદજી (હાલના આચાર્ય)ની અયોધ્યામાં મુંડનવિધિ હતી. જગન મહેતાએ એમની સાથે એ પ્રસંગની પૂરી ફોટોગ્રાફી કરવા સાથે અયોધ્યા જવાનું હતું. ના પાડવાનું કોઈ કારણ જ નહોતું. મનોમન પ્રસન્ન પણ થઈ જવાયું હતું. કોઈને કહ્યું નહોતું, પણ મનમાં થઈ ચૂક્યું કે જો તક મળે તો કામ આટોપીને અયોધ્યાથી સીધા જ પટણા પહોંચી જવું કે ગાંધીજી એ વખતે બિહારમાં હતા. નોઆખલી-બંગાળની ભયંકર સંહારલીલાનો પડઘો બિહારમાં પણ પડ્યો હતો અને ગાંધીજીને બિહાર દોડી આવવું પડ્યું હતું.
            જગન મહેતાની એ ઈચ્છા તરત જ ફળીભૂત થઈ. અયોધ્યાનું કામ પતાવીને સીધી જ એમણે પટણાની ટિકિટ કપાવી. ઘટતા રૂપિયા આચાર્ય દેવેન્દ્રપ્રસાદજીએ આપ્યા. કદાચ એ વગર એ પટણા જઈ જ શક્યા ન હોત.
            ગાંધીજીની શાંતિયાત્રાનું છેલ્લું ચરણ ચાલતું હતું. જગન મહેતા પટણા જઈને એમના ગુરુભાઈ સરખા ગુણવંતરાય જાનીને ત્યાં અણધાર્યો જ મહેમાન બન્યા. ગાંધીજી તો પટણામાં ડૉક્ટર સૈયદ મહેમુદના બંગલે ઊતર્યા હતા. રોજ સવારે એ મોર્નિંગ વૉક માટે નીકળતા હતા. ૧૮મી માર્ચે જગન મહેતા પટણા પહોંચ્યા અને ૨૩મી માર્ચ ૧૯૪૭ની સવારે ઊગતા પ્રભાતના ઉજાસમાં બે મહિલાઓના ખભે હાથ મૂકીને ફરવા નીકળતા ગાંધીજીનો ફોટો પાછળથી ઝડપી લીધો. કવિ નાનાલાલનો સાંધ્યવેળાએ પાડેલો ફોટોગ્રાફર અને આ ગાંધીજીનો ઉષાકાળે પાડેલો ફોટોગ્રાફ બંને યાદગાર-અમર બની રહ્યા. સવારના વિરતરતા પ્રકાશ તરફ ઊપડતા ગાંધીજીનાં પગલાં કાગળ ઉપર કરુણાનું છાયાંકન બની રહ્યાં.  ચિત્રનું નામ આપ્યું જગન મહેતાએ ;”ટોવર્ડ્ઝ લાઈટ’”. આ ચિત્ર આજે પણ કોઈ પણ ગાંધી સંગ્રહાલયનું અણમોલ મોતી બની રહ્યું છે.
 પછી જગન મહેતાએ જે ઝડપ્યું તે અદભૂત અને અદ્વિતીય હતું. આ ઝડપવા અગાઉ એ અનેક છાપાંના તંત્રીઓ અને સામયિકોના સંપાદકોને મળ્યા હતા, પણ કોઈએ દાદ નહોતી આપી. અંતે જાતે જ એમણે એ ચિત્રમાળા ઝડપી અને ફરી એકવાર ગાંધી-ઈતિહાસની એ એક અવિસ્મરણીય ભેટ બની રહી. એ હતી ૨૬,૨૭ અને ૨૮મી માર્ચ દરમિયાન બિહારના ગયા જિલ્લાના જહાંનાબાદ તાલુકામાં કોમી રમખાણોથી વરસેલી તારાજીની જીવંત તસવીરો. ગાંધીજી ત્રણે ત્રણ દિવસ પગપાળા એ વિસ્તારોમાં ફર્યા અને બેહાલ-બેઘર બનેલા મુસ્લિમ કુટુંબોનાં આંસુ લૂછ્યાં. જગન મહેતા એ ત્રણ દિવસ ગાંધીજીની સાથે પડછાયાની જેમ રહ્યા અને માનવીય ભાવોના ઉદ્રેકવાળી એક એક ઘડી એમણે એમના સાદા કૅમેરામાં ઉતારી લીધી. એક જગ્યાએ તો જેનું સર્વસ્વ નાશ પામ્યું હતું એવી એક મુસ્લિમ સ્ત્રી ગાંધીજીનાં ચરણોમાં લોટી પડી અને ગાંધીજીએ એને હાથ પકડીને ઊભી કરી એ વિરલ અને અચાનક બની આવેલું દ્રશ્ય એમણે ઝડપી લીધું. એક એક તસવીરમાં ગાંધીજીના ચહેરા ઉપર આંખોમાં અથવા એમના સમગ્ર વ્યક્તિત્વમાંથી સ્કુટ થતી વ્યથાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ બિંદુને જગન મહેતાએ ઝડપી લીધું.
           ગાંધીજી સાથેની આ યાત્રા પરથી પાછા આવ્યા પછી એમની શાંતિયાત્રાના આઠ ફોટોગ્રાફ્સનું આલ્બમ એમણે બરાબર ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે જ પ્રગટ કર્યું. આખા યે દેશમાં ગાંધીજી અંગેના ફોટોગ્રાફ્સનું આ સૌ પ્રથમ પ્રકાશન હતું. કાકા કાલેલકરે એક જગ્યાએ લખ્યું : ‘ચિત્રકાર (ફોટોગ્રાફર) જગન મહેતા કો તો સારે હિંદુસ્તાન કી ઓરસે ધન્યવાદ મિલના ચાહીએ.’ એ પછી ફુવારા પાસે શેરબજાર હૉલમાં એમાંની ચાલીસ તસવીરો પ્રદર્શિત થઈ અને લોકોનું ધ્યાન ખેંચાયું. ગાંધીજીની હત્યા થઈ ૩૦મી જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે અને એ પછી તો આ તસવીરોનું મૂલ્ય અધિક વધ્યું. ફોટોગ્રાફિક સોસાયટી ઑફ અમેરિકાએ નિહારિકા ફોટોક્લબને લખ્યું કે તમે અમને ગાંધી શો આપી શકશો ? અમદાવાદની નિહારિકા કલબે ૨૮ ફોટોગ્રાફ્સનો સેટ અમેરિકા મોકલ્યો; જેમાંની એકવીસ તો જગન મહેતાની લીધેલા હતા. ત્યાં સતત દોઢ વરસ આ પ્રદર્શન ફરતું રહ્યું.

            પણ હજુ સુધી પણ જગન મહેતા પાસે પોતાનો કહી શકાય એવો સારો કૅમેરા નહોતો. અમદાવાદમાં શરૂ કરેલો સ્ટુડિયો ભાગીદારની ભૂલ કે સંજોગોને કારણે બંધ કરવો પડ્યો.

*************************************************************************

            લેખકોના ફોટોગ્રાફ્સ લેવા માટે જગન મહેતા તક મળે ત્યારે ઝડપી લે. આજથી પચ્ચીસેક  વરસ પહેલાં સુરેન્દ્રનગરમાં એક સમારંભમાં ગાંઠના ખર્ચે માત્ર લેખકોની તસવીરો લેવા માટે આવ્યા. મને જોયો, કોઈએ મારું નામ કહ્યું હશે તે ઓળખાણ વગર જ ઊભો રાખીને મારા ફોટા ઝડપવા માંડ્યા. પછી નામ પૂછ્યું તો રૂપેરી થઈ ગયેલા વાળ ઉપરથી છટાથી હાથ ફેરવીને કહે, ‘જગન મહેતા.’ તરત જ મારા મનમાં ગાંધીજી બે મહિલાઓને ખભે હાથ રાખીને ટોવર્ડઝ લાઈટજાય છે તે જગવિખ્યાત તસવીર ચમકી ગઈ અને કવિ નાનાલાલની જલધિતટે કવિપણ યાદ આવી ગઈ. આ બધા હિમાલયો વચ્ચે ટેકરીઓની તસવીરો તે લેવાતી હશે ? મને શરમ થઈ આવી. તો મને એમણે બીજા ત્રણસો કવિ-લેખકોનું લિસ્ટ પણ બતાવ્યું અને એમાંથી પચાસ-સાઠ તો ખરેખર મૂર્ધન્યો જ ! મને કહે કે જિંદગી ધરીને સારો કૅમેરા વસાવવાની મનોકામના હજુ ૧૯૮૪માં જ પૂરી કરી છે તે આને માટે.! આને વેચવાનો કોઈ ઈરાદો નથી. જિંદગીમાં ધંધો કદી આવડ્યો નથી. કોઈપણ સાહિત્યિક સભા-સમારંભમાં બોલાવ્યો કે વણબોલાવ્યો પહોંચી જાઉં છું અને રહી ગયેલા લેખકોને ઝડપી લઉં છું. ફિલ્મી  સિતારાઓની તમા નથી. સાહિત્યકારોની તો ઘેલછા છે. એવી જ બીજી એક ધૂન છે ભારતીય શિલ્પસ્થાપત્યની ફોટોગ્રાફિક રેકોર્ડ કરવી તે કરી. સારી એવી કહી શકાય એવી કરી.

             પણ જિંદગી ધરીને ફરી નોકરી નહીં કરવાની ટેક તૂટી ગઈ. ૧૯૫૪ થી ૫૭ છૂટક કામ કર્યું, પણ નાણાખેંચ નડી. છેવટે મૂછ નીચી કરીને ૧૯૫૮માં મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં ફોટોગ્રાફરની નોકરી લીધી. દસ વરસ કરી. ૧૯૬૮ થી ૧૯૭૪ સુધી સી..એન. કૉલેજ ઑફ ફાઈન આર્ટ્સમાં ફોટોગ્રાફી શીખવી. આ બધા પછી જ છોકરાઓને ભણાવી શક્યા, નોકરીએ વળગાડી શક્યા. અમદાવાદમાં નારાયણનગર વિસ્તારમાં જયભિખ્ખુ માર્ગ ઉપર ચંદ્રનગર સોસાયટીમાં ૧૭-અ નામનો બ્લૉક લઈ શક્યા. ઘેર પુત્ર ઉપેન્દ્રની નોકરીને કારણે 079 26630136  નંબરનો ફોન આવી શક્યો.(મોબાઇલ-9428046657) પણ નક્કી થઈ ગયું કે ગુજરાતે તેમને નોકરી વગર એકલી એમની ફોટોકલા ઉપર જ જીવવા દેવાનું મંજૂર ન કર્યું. હા ! કોઈ વ્યક્તિ કે સંસ્થા એમના હિમાલયના કે બીજા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરે તો અદભૂત ખજાનો સાંપડે. અને તો એમની આજે એંસી વરસની ઉંમરે પણ અધૂરી રહી ગયેલી ઈચ્છા પાર પડે. કઈ છે એ ઈચ્છા ? અબળખા ? કલાકારની ઈચ્છા શું હોય ?

            એક કલર કૅમેરાની ઈચ્છા, એક ટેલી ફોટો લેન્સ લેવાનું મન અને પોતે ખેંચેલા ગાંધીજીના ચિત્રોની સ્લાઈડ્સ બનાવવાનું મન.

અરે જગન મહેતા, આવી ઈચ્છાઓ હોય ? અગીયાર લાખની થેલીની ઈચ્છા કરવી હતી ને ?

No comments:

Post a Comment