Tuesday, January 21, 2014

કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા

(અર્ધા દાયકાથી ઉપરના સમયથી જેમની સાથે મૈત્રી હતી અને જેમની પ્રતિભા અને પીડા બન્નેથી હું ખૂબ નજીકનો પરિચીત રહ્યો હતો તેવા આપણા બહુ ઉંચા ગજાના સાહિત્યકાર નાનાભાઈ જેબલીયાના અવસાન નિમિત્તે આ અંજલી. પ્રસ્તુત લેખ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દસૃષ્ટિના જાન્યુઆરી, ૨૦૧૪ના અંકમાં પ્રગટ થયો છે. – રજનીકુમાર)

નાનાભાઈ જેબલીયા 
નાનાભાઇ છેલ્લા ચાર વરસથી લકવાગ્રસ્ત હતા. ચોવીસ કલાકની ચાકરી ખપતી હતી. પત્ની કાનુબેન તો 2005  ની 3 જી ડિસેમ્બરે ગત થઇ ગયાં, દિકરીઓ ન મળે પણ બન્ને દિકરાઓની વહુઆરુઓ ઉમાબા અને પ્રકાશબા બન્ને સગ્ગી દિકરીઓથી સવા વેંત ચડે એવી હતી. એમાંય મોટા રાજુની વહુ પ્રકાશબા તો પાછી સગ્ગી ભાણી પણ થાય. બધાએ રાત  જાગવાના ચાર ચાર કલાકના વારા રાખ્યા હતા. નાનાભાઇ નસકોરાં બોલાવતાં હોય. પછી ધીરે ધીરે એ ઓછાં થાય. ને પછી હળવે હળવે પોપચાં ખોલે. મોંએથી ધીમો અસ્ફૂટ સ્વર નીકળે. જાગનારું સચેત થાય. સમજે કે બાપુ તમાકુ માગે છે..એટલે એ દેવાની. મસળીને જ દેવાની.એમની પક્ષીની ચાંચ જેમ ખૂલેલી મોં ફાડમાં એ થોડી ઠાંસી પણ દેવાની. આ એમના આજારી,અસ્થિપંજરવતદેહમાં હજુ પ્રાણ ટક્યો હોવાનું ઇંગિત, સ્મૃતિભ્રંશ તો સામાન્ય વાત પણ દેહ જૂઓ તો જોયો ના જાય.
પણ આ 2013 ના નવેમ્બરની 25 મીએ મધરાતે પછી એક વાગ્યાના સુમારે નસકોરાં તો ધીરે ધીરે શમ્યાં પણ ઝીણા બલ્બના પીળા ઉજાસમાં પ્રકાશબાએ જોયું કે ના તો પોપચાં ઉઘડ્યાં કે ના તો કોઇ અસ્ફૂટ સ્વર હોઠમાંથી સર્યો. શ્વાસની ધમણ પણ બેસી ગઇ તે પણ ફરી ના ઉંચી થઇ . પ્રકાશબાને ફાળ પડી અને............
1938 ના નવેમ્બરની અગીયારમીએ પિતા હરસુરભાઇને અને રાણબાઇબાબેનને ઘેર જન્મેલા નાનાભાઇ જેબલીયા ગુજરાતી સાહિત્યમાં પોતાનું આગવું અને સમૃધ્ધ પ્રદાન કરીને 25 મી નવેમ્બર 2013 ની મધરાતે હંમેશાને માટે જંપી ગયા.પાછળ રહ્યો તેમના 43 ઉપરાંત પુસ્તકોનો અક્ષર-વારસો. મૂળ હાડ અદ્દલ વાર્તાકારનું-અને નવલકથાકારનું. પણ બીજું સર્જન પણ બળકટ ગૌરવકથાઓ.ઇતિહાસકથાઓ,સંતકથાઓ. હાસ્યકટાક્ષ,રેખાચિત્રો, કટારલેખોના સંચયોબાળસાહિત્ય અને દસ્તાવેજી કથા..
ભણતર ? પી, ટી.સી.–પ્રાથમિક શાળાના શિક્ષક થવા જોગું, પણ સર્જન ડોક્ટરેટ કરવા જેટલું ભારઝલ્લું.પણ કોઇને એ સૂઝ્યું નહિં એ જુદી વાત છે.
**** **** **** 
ભૂતકાળમાં ડૂબી જવાય છે. એમના પત્રોમાં પ્રસન્નતા તો વૈશાખમાં કાળી વાદળી જેમ ક્યારેક જ દેખા દેતી બાકી વારંવાર એમના પત્રો વાંચીને મન ખિન્ન થઈ જતું. .1978 માં પણ એકવાર એ રીતે થઈ ગયું હતું.. અમરેલી-સાવરકુંડલા પંથકમાં વરસાદી પૂરે ભારે ખાનાખરાબી કરી નાખી હતી. પણ એનો ઉલ્લેખ એ પત્રમાં નહોતો. એમાં તો એમણે લખ્યું હતું.
હમણાં અમદાવાદ ગયો ત્યારે રતિલાલ બોરીસાગરને મેં સાવ હતાશ થઈને કહેલું કે આટલા વરસો ગામડાંનું લખવાની મજૂરી કરી. છતાં આપણી તરફ કોઈએ આંગળી પણ નથી ચીંધી. હવે તો લખવાનું છોડી દેવા ધારું છું. કશોક ધંધો, બીજો ધંધો લઈ લઉં. છોકરાં તો બે પાંદડે થાય ! બાકી આ તો બાવાના બેય બગડ્યાં. જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ.’ એવી દશાને પામ્યા.’
સમજી શકાતી હતી એમની-નાનાભાઈ જેબલીયાની વેદના. જો કે એ વાત તો ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાની છે. સાંપ્રતકાળમાં એ બહુ પ્રસ્તુત રહી નહોતી કારણ કે નિર્વેદના એ શબ્દો જ્યારે લખાયા ત્યારે સાચા હતા. પણ પછીના ગાળે એ ભલે બહુ મોટા વિવેચકીય ચોપડે ચડ્યા નહોતા પણ નાની મોટી કદર તો પામ્યા જ હતા. સાહિત્ય અકાદમી અને પરિષદના ઇનામો, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર ,વિદ્યાગુરુ રતિલાલબોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન તરફથી દર્શક સાહિત્ય સન્માન,બીજાં ઇનામો,ઉપરાંત બીજી અંગત ધોરણે થતી નવાજીશો તો પામ્યા જ હતા. એમના વિસ્તારના  બહુ મોટા ઉદ્યોગપતિ અને દિલદાર દોસ્ત ગફૂરભાઇ બિલખિયાની સતત આર્થિક હૂંફની હૈયાધારી તેમની સાથે રહી હતી, પૂ. મોરારી બાપુએ એમને નેનો કાર ભેટ આપી હતી, પુસ્તકો બહાર પડ્યા હતા, મોટા અખબારોમાં કોલમો ચાલી હતી પણ તેમ છતાંય જેને પામીને એમની કક્ષાના સર્જકને માણ વળે એવું ખાસ કશું થયું હોય તેવું વરતાતું નહોતું, એમ તો સાવરકુંડલાના તેમના કેસર મકવાણા અને બીજા કેટલાક અભિભાવકોના પ્રયત્ન ખુદ ઉત્તમ વાર્તાકાર કિરીટ દૂધાત જેવા ગુજરાત સાહિત્ય અકાદમીના પરખંદા મહામાત્રના સહકારથી તેમના સાહિત્યના પુનર્મુલ્યાંકનનો સેમિનાર પણ 2011માં તેમના ઘરઆંગણે યોજાયો પણ તેમાંય મારે થોડું કડવું બોલવાનું થયું કે અરે,મિત્રો, આ સર્જકનું એક વારેય મુલ્યાંકન પણ ક્યાં થયું છે કે પુનર્મુલ્યાંકન કરવાની વેળુ લાવ્યા?

પચાસ વર્ષથીય જૂની મૈત્રી
(ડાબેથી): રજનીકુમાર પંડ્યા, નાનાભાઈ જેબલિયા,
રતિલાલ બોરીસાગર 
ખેર. પણ ચોપન વર્ષની મારી એમની સાથેની ભાઈબંધીમાં હું એટલું સ્પષ્ટપણે જોઈ શક્યો હતો કે બહારની એમની દુનિયા અને એમના આંતરજગતમાં સાવ સમાંતરે સમાંતરે હોનારતો સર્જાયા કરતી હતી. એટલે આવું થયું હતું. 1978 માં ભારે વરસાદે નોતરેલા નદિના પૂરે એમના બટકું રોટલાજમીન-ખોરડાંની જે ખૂવારી કરી એની ચીસ સાથે જ સતત ઉવેખાયા કરાતા એમનામાં રહેલા લેખકની ચીસ પણ ભળી ગઈ. બધું એકાકાર થઈ ગયું. આ બન્યું એ પહેલાના થોડા દિવસ ઉપર એમનો ગામડાશાઈ વહેમથી ભર્યો  ભર્યો એક પત્ર હતો કે થોડા વખતમાં પૃથ્વીનો પ્રલય થવાનો છે. એ સમજી લેજો. બસ, તો આ મારો છેલ્લો પત્ર હશે.’ – મેં તડામાર કામ વચ્ચે એમને તરત જ પોસ્ટકાર્ડ લખી નાખ્યું કે : ‘તમારા આ વહેમ પાછળ તમારી આવા જગતમાંથી નાસી છૂટવાની ઝંખના મને દેખાય છે. માટે ગાંડા ના થાઓ. જૂઓ આ ગોરબાપાનું વચન છે કે જે દિવસે ફઈબાને મૂછો ઉગશે તે દિવસે દુનિયાનો પ્રલય થશે હે કાઠીરાજ !’
કાઠીરાજઅને એવા અમુક માનવાચક વિશેષણોના નહોર બહુ તીણા હોય છે. એમને એ આળા હોય ત્યારે બહુ લોહી કાઢતા. પણ વચ્ચે એ આળાપણું જરા ઓછું થાય એવા બનાવો પણ બનતા

૧૯૬૩ની સવિતા વાર્તા હરિફાઈમાં પહેલું
ઈનામ નાનાભાઈને અને
બીજું ઈનામ રજનીકુમારને 
૧૯૬૪ની વાર્તા હરિફાઈમાં પહેલું ઈનામ
 રજનીકુમારને , અને બીજું ઈનામ નાનાભાઈને 
"સવિતા વાર્તા હરિફાઇમાં એમની વાર્તા પીરના પાળીયાને એમને પહેલું ઇનામ-સુવર્ણ ચંદ્રક-મળ્યો (1964),  તે પછી 1965 માં મને, તો 1966માં ફરી નાનાભાઇને,  તો 1967 માં ફરી મને! "સવિતા નો નિયમ તો એવો કે વિજેતા લેખકના ગામમાં જલસો ગોઠવીને ઇનામ પ્રદાન કરવું પણ અમારી બન્નેની આ વારાફેરીથી કંટાળીને એક ને એક લેખકને માટેના બબ્બે સમારંભોનુંડુપ્લિકેશનટાળવા તંત્રીએ મારા શહેર રાજકોટમાં જ એક સમારંભ ગોઠવીને અમને બન્નેને એક જ માંડવે પોંખી લીધા આ રીતે  અમારી દોસ્તી પાકો રંગ પકડતી જતી હતી,
રજનીકુમાર અને નાનાભાઈ જેબલિયા:
એક જ માંડવે પોંખાયા 
અમારી નવી નવી શરુ થયેલી દોસ્તીના થોડા વર્ષ દરમિયાન એક વાર  હું, રતિલાલ બોરીસાગર અને નાનાભાઈ જેબલીયા પગપાળા નાનાભાઈના ખાલપર ગામથી નજીક લેખક ભોજરાજગીરી ગોસ્વામીના વારાહી દરબારમાં આવેલા ટેકરે પગપાળા જતા હતા. સાલ કદાચ 1968 ની રતિભાઈના ખંધોલે એમનો બાબો ભીલુ હતો ( જે અત્યારે ખુદ અધ્યાપક છે ) અને એ પરસેવે રેબઝેબ થતા હતા. બે-ત્રણ ગાઉના પંથમાં એમને સામા મળનારા એમના કેટલાયે વિદ્યાર્થીઓ એમને સાહેબ, સાહેબકહીને બોલાવતા હતા તે રતિભાઈ રેબઝેબ રેબઝેબ ઝીલતા હતા. ને આગળ આગળ તેલ પાયેલાં પાંચ પાંચશેરના પગરખામાં મેલખાઉ લેંઘે-બાંડીયે નાનાભાઈ એક હાથમાં જગેલી બીડી અને બીજા હાથમાં દસ કિલો બાજરાનું બાચકું ઉપાડીને હાંફતાંહાંફતાં ચાલ્યા જતા હતા ત્યારે રસ્તે મળનારા કેટલાયે જણ એમને કાં બાપુ, કાં દરબાર, કાં આપા !’ કહીને સલામ મારતા હતા. અને નાનાબાપુજગતી બીડી ઠરી ના જાય એટલા વાસ્તે વારંવાર હોઠ વચ્ચે ભરાવીને સટ માર્યા કરતા હતા, સરકસના ખેલ જેવું હતું. હળવી બીડી કે વજનદાર બાચકું એમાંથી એકે ય હેઠે ના પડી જવું જોઇએ (બીડી બે ફદિયાની પણ બાજરો તો કેવા મોંઘા પાડનો,બાપ !)બાજરો જમીન પર વેરાઇ ના જવો જોવે અને અને બીડી બી ઠરી ના જવી જોઇએ. ને વાજોવાજ સલામો પણ ઝીલાતી જવી જોઇએ, વળી આ બધું કરતાં ગતિભંગ પણ ના થવો જોવે. અમારી હારોહાર રહેવું જોવે. આ દ્રશ્ય જોઈને અમને અમારી નહીં પણ વિશેષણોની દયા આવી ગઈ હતી, જાણે કે કોઈ નેકટાઈ સુટ-બુટવાળો ફુલફૂલિયો દૂધમલ  જુવાન મેડિકલ રેપ્રીઝન્ટેટીવ અમદાવાદની સિટી બસની લાઈનમાં ઊભો ઊભો મીલમજૂરોને ઠેબે ચડતો હોય ને આપણને એની નેકટાઈની દયા આવી જાય.

સુવર્ણચંદ્રક ઠાઠથી લગાવીને પડાવેલો ફોટો: (ડાબે) નાનાભાઈ
અને (જમણે) રજનીકુમાર, વચ્ચે મિત્ર ભૂપેન્‍દ્ર ત્રિવેદી 
            ‘કાં બાપુમેં પૂછ્યું હતું: ‘લાવો લઈ લઉં ?’ મારું ઈગિત બાજરાના વજનદાર બાચકા તરફ.
            ‘ક્યાં લગી લેશો ?’ એ હસ્યા : ‘ક્યાં લગી ?’
             એ પછી એમણે મારો અને એમનો ક્ષોભ ટાળવા એમની નવી લખાયેલી નવલકથા તરણાનો ડુંગરજે રાજકોટના એક છાપામાં હપ્તાવાર પ્રગટ થતી તેની વાતે વાળી લીધો. પૂછ્યું : ‘આપણને એમાં ગુલાબદાસ બ્રોકરની પ્રસ્તાવના મળે કે ?’
લખી જોઈએમેં કહ્યું : ‘લાવો તમારું પોટલું, થોડીવાર મને આપો.’
             ‘તમે શું કામ ફિકર કરો છો ?’ એ બોલ્યા : ‘અમે તો ટેવાયેલા  છીએ.’
             ‘તમે તો દરબાર, તમે કેવી રીતે ટેવાયેલા હો બાપુ ! ડોળ કરો મા.’
             ‘ડોળ નથી, સાચું કહું છુંએમ બોલતાબોલતા એ હાંફી ગયા. કહે : ‘ટેકરે જઈને કહીશ.’
ટેકરે ગયા. ભોજરાજગીરી ગોસ્વામિસાથે  થોડી હા-હો કર્યા પછી એમણે લાંબે સુધી પથરાયેલી સીમ તરફ બહુ ઓળખાણભરી નજર દોડાવી. પછી બોલ્યા: ‘તમને કોણે કહ્યું કે અમે બાપુ છીએ ?’
               ‘આપણી ઓળખાણ બહાદૂરભાઈ વાંકે કરાવેલીમેં કહ્યું. ‘તમારી પીરનાપાળીયાવાર્તાને સવિતાસુવર્ણચંદ્રક મળ્યો. તે પછી બીજા વરસે મને મળ્યો. ત્યારે આપણે થોડો ટપાલ વ્યવહાર થયો હતો. તમે જ લખ્યું નહોતું કે અમે કાઠી છીએ ?’
કાઠી એટલે ? નરબંકા દરબાર, ઘોડેસવાર ગામધણી, રૈયતના રખેવાળ, ટેકીલા, શુરવીર, અડગ, પ્રતાપી, સૂર્યવંશી. બંકડા, હથીયારધારી, માથૂં ઉતારી દે અથવા ઉતારી લે એવા. ગૌબ્રાહ્મણ પ્રતિપાળ, ઉંચે બેસણે બેસનારા, સલામો ઝીલનાર, માણકી ઘોડીના અસવાર,, મરદમૂછાળા, તેજસ્વી, પડછંદ, બુલંદ સ્વરવાળા, હોકો ગગડાવવાવાળા, લીંબુની ફાડ જેવી આંખોવાળા, રીઝે ત્યારે મુઠ્ઠી ભરીને સોનામહોરો લૂંટાવી દેવાવાળા...... આ બધું મારા મનમાં ઉખળતું હતું ત્યાં નાનાભાઈ કહે : ‘તમને હું એવો લાગું છું ?’
આંખો પાણીદાર, પણ તેજના અર્થમાં નહીં, પાણીના અર્થમાં ભીની, આર્દ્ર. અંદર ફૂટેલા બેચાર લાલદોરા દેખાય ચહેરો અત્યંત સૌમ્ય, આખેઆખો સંવેદનશીલ લેખકનો જ ઢાળો, છાતી ફૂલે ત્યારે તડોતડ કસ તૂટે એવા અંગરખાં નહીં, આ તો પાણકોરાના જીર્ણ. લેંઘા-બાંડીયાં, હોકો કહેતાં દેશી બીડી, સ્વર ધીમો, સામાની લાગણીને તરીને જગા દે, પછી જ આગળ ચાલે એવો. મારે શો જવાબ દેવો ?
મારા બાપુ બહુ ભણેલા હતા. બોલ્યા: ‘બહુ એટલે ? પાંચ ચોપડી, પણ અંગ્રેજીની. એક ટૂકડો જમીન અમારા વારસામાં મળેલી પણ ગૌચરમાં આપી દીધી કારણ કે ઘાસીયા થઈ ગયેલી. અમે મારા ભાઈના ગામ પિયાવામાં રહેતા. અમારે પાન-બીડીની દૂકાન. પણ વેપારીના ચોપડેથી કદિ હેઠે ના ઉતરનારા કાયમના દેવાદાર . પણ પછી મારી આઠ વરસની ઉંમરે અમે સાવરકુંડલા પાસેના અમારા વતન ખાલપર આવતા રહ્યા. ત્યાં મારા બાપુ બીડી વાળવાનો ધંધો કરતા અને ત્યાં જ કોઈ હિતશત્રુએ અફીણનું વ્યસન ઈરાદાપૂર્વક વળગાડી દીધું. અફીણ ચામાં પાય, ગળાના સમ દઈ દઈને પાય, ને એમ થોડો થોડોશુગલો( મઝા)બંધાણમાં ફેરવાઇ ગયો. એટલે પછી ખર્ચો વધતો ગયો. ઘરેણાં વેચાઈ ગયાં, ઠામડાં વેચાઈગયા,અરે, ગોદડાં સિખ્ખે...એમાં સાવ પાયમાલ થઈ ગયા.
તમારાં બાએ વાર્યા નહીં ?’
મારાં બા બહુ નાની વયે ગુજરી ગયાં. એ બિમાર હતાં તે વખતે હું ઓટલા પર બેઠો બેઠો      હલાવું. કોઈએ કહ્યું કે લટકતા પગ હલાવે એની મા મરી જાય. હું હબકી ગયો ને સાચે જ ત્રણ જ દિવસમાં મારી મા મરી ગઈ. મારા મનમાં પેસી ગયું કે માતૃહત્યાનુંપાતક મારા માથે !. હું બહુ રડ્યો હતો એટલું બધું કે એ રેલો બનીને જીભ લગી પહોંચેલા આંસુનો સ્વાદ આજે પણ યાદ છે. માનો ચહેરો મુદ્દલેય યાદ નથી. અણસાર પણ નહીં. અરે, એનું ઓહાણ જ નથી ! એના ગયા પછી થયેલી ઘરની બેહાલી યાદ આવે છે. પણ મા, મારી માનું ચોગઠું યાદ નથી આવતું. ફોટો તો હોય જ ક્યાંથી ?’
કોઈ પણ માણસ પોતાની માની વાતો કરતો હોય ત્યારે એ સાંભળનારને પોતાની માતા યાદ આવી જાય છે. જીવતી હોય તો ઠીક છે નહિંતર એનું અંતિમ દર્શન, ઉઘાડા મોંનીડાબલી.બંધ પોપચાંની આંખો, સફેદ વાળ વચ્ચે પાડેલો ઉજ્જડ સેંથો એ બધું જ એક સામટું યાદ આવી જાય છે અને  બોલનારાની વાતો સાથે સેળભેળ થઈ જાય છે. આગળ વાત થઈ શકતી નથી. ના. બિલકુલ નહીં.
એટલે અમારામાંથી કોઈને-રતિભાઇને કે મને  કંઈ બોલવાનું જ ન થયું. પણ  પાછા વાતો એમના બાળગોઠીયા ભોજરાજગીરીએ કરી અને નાનાભાઇ જેબલીયા નામના સાહિત્યકારના ઉગીને ઊભા થવાનો આલેખ નજરમાં આવ્યો.
તેમણે કહ્યું: ‘નાનાભાઈ ભણતા હતા ત્યારે બીજા ધોરણમાં ખાલપરને અડીને આવેલા વંડા ગામ ભણવા આવતા રહ્યા. ગરીબી એટલી બધી હતી કે ઘરમાં ક્યારેક એકાદ ટંક જ ખાવાનું જડે. એટલે       દાણા-પાણી ને તેલ તુરી સિવાય બીજું કાંઇ હટાણું વહોરવાની તો વાત જ ના થાયગોઠીયાઓની ચોપડીઓ વાંચતા ને ધોરણ તરી જતા,  પણ એ બધા પાસ થઈને બહાર ભણવા ચાલ્યા ગયા ત્યારે એ તરાપો પણ એ સૌની ભેળો તણાઇ ગયો. . એટલે બાપુ કહેવા માંડ્યા કેકુંવર,કુંવર, હવે હાઉં, ઊઠી જાઓ, ભણવાનું આપણું કામ નથી. મારી જેમ બીડીઓ વાળો, બીડીઓ અને નાનાભાઈ ખરેખર બાર વરસની ઉંમરે રોજની ત્રણ હજાર બીડીઓ વાળવા બેસી ગયા. હજારે આઠ આની મળે. દિવસ આખો વાળે, રાતે એના માટેના પાંદડાં કાતરથી કાપવાના, અને દિવસે મોટાભાઈ દડુભાઈ ઢોર ચરાવવા જાય. નાનાભાઈ બીડીઓ વાળે. સૌથી નાનો ઉનડભાઈ દાડીદપાડી કરે બેન તો નાની સાવ દસ દિવસની હતી. બીડીઓના ભરાવો થઇ જાય અને થાલો (બીડીઓ માટેના  પાંદડા.તમાકુ અને દોરાબધું એક સાથે મુકવાનો લોખંડનો મોટો તાસ) ઠાલો થઇ જાય ત્યારે નાનાભાઈ ગામમાં દાડીયે-મજૂરીએ જાય. ઘરમાં ઢેફાં ભાગે, નિંદામણ કરે, વાવણી કરે. એ કામ  પણ ન મળે ત્યારે લોટ દળવાની ઘંટીએ રોજમદારીના રૂપિયા એક લેખે ઘટીયામણે જાય. આમ છતા એક વાર અટાટની મુસીબત આવી પડી ત્યારે એમણે અમદાવાદની ટાટા એરલાઈન્સમાં ચોકીદારની નોકરી પણ સ્વીકારીને અમદાવાદ જવા પરિયાણ માંડ્યું ત્યારે વળી તને કુટુંબથી જુદો પાડવો નથી.’ એમ કહીને બાપુએ જવા ન દીધા. એટલે પાઈપાઈ માટે કુમળી ઉમરમાં નાનાભાઈ લોહીપાણી એક કરવા માંડ્યા શા માટે ? ભાંડરડાના પેટ ભરવા માટે અને બાપુની અફીણની લત પૂરી કરવા માટે. ફદીયાં  ભેગાં કરીને બન્ને ભાઈઓ ત્રણ ગાઉની ખેપ કરીને વેળાવદર ગામથી બાપુ માટે અફીણ લેવા જાય. અફીણનું બંધાણ તો બાપુને એવું કે ન મળે તો એમના ટાંટીયા ગારો થઈ જાય, શરીરની નસો તૂટે!’
             ‘નાનાભાઈમેં પછી નાનાભાઈને ખુદને જ પૂછ્યું: ‘તો પછી તમે ભણ્યા કેવી રીતે ?’
             ‘મેં એક વાર એક મોટા શેઠની દુકાનની સામે ચા-બીડી-ઘાસલેટની નાનકડી હાટડી શરૂ કરી હતી. એમાં કંગાળ માણસો બે પૈસા, એક આનાનું તેલ-મરચું લેવા આવે. કોઈ રાંડીરાંડ વળી પંગુ સસરા માટે કાળી મજૂરીના કાવડીયામાંથી બીડીની ઝૂડી લેવા આવે. આંગળીએ વળગેલું છોકરું બે પૈસાની મીઠી ગોળી(પીપરમીંટ) માટે કજીયેચડ્યું  હોય પણ બાઇ એ ન લ્યે પણ એટલા પૈસામાંથી દમલેલ સસરા માટે બીડીની ઝૂડી લઇ જાય. એમ ના કરે તો ધણી ધીબેડી નાખે બધું જોઈને મન મનમાં કોચવાયાકરીએં કે આપણે ખુદ ગરીબ, આપણા ઘરાક આપણાથીય જાય એવા ગરીબ, તો શું આપણે એવા ગરીબનાય ગરીબ પાસેથી રળીને આપણું ડોજરું (પેટ) ભરવું છે? હે ભગવાન, આવા ધંધાના ગાળીયેથી મને છોડાવ. પછી એ જ સીધી લીટીમાં આગળ વિચાર આવ્યો કે માસ્તર થયા હોઈએ તો કેમ? ઠેરવ્યું કે થવું. આખો દિવસ મજૂરી કર્યા પછી રાતના દસ પછી માસ્તર ભાઇબંધો બળવંત ત્રિવેદી અને લાભશંકર ભટ્ટ પાસે ભણવા જવા માંડ્યો એટલે રાતની સિલકમાં ફક્ત ચાર કલાકની નિંદર રહી. આમને આમ શાળાંત પાસ થયો. માર્કસ સારા આવ્યા એટલે સ્કોલરશીપ મળી ને સોનગઢ અધ્યાપન મંદિરમાં જઈને પી. ટી. સી. થયો ને આમ ૧૯૬૧માં પાંસઠના બાદશાહી પગારે માસ્તરપદ પામ્યો.’ગ્રેડ કેટલો ? ચાલીસ ત્રણ સિત્તેરનો..
              ‘આ માસ્તરત્વ અને લેખકત્વને કંઈક સંબંધ લાગે છે.’ મેં કહ્યું.
              ‘મારા મામલામાં તો ઠામુકો નહીં’. એ બોલ્યા: ‘સીધો સંબંધ ગણો. ભોજરાજગીરી વળી વાર્તા લખે તે ક્યાંક એમના નામ સાથે છપાય તે જોઈને મને પણ મારું નામ છાપેલું જોવાનું મન થયું. લોકકથાઓ અને ગ્રામ્યકથાઓના બીયારણ  તો અમારી રગમાં હોય. એટલે એક વાર્તા લખી અને સારે ઠેકાણે છપાણી તે જોઈને આપણને તો ભયોભયો થઈ ગયું.’
નાનાભાઈની વાત સાચી નહોતી. એ તો બધું ભોળેભાવેબોલતા હતા. એમ તો છાપેલું નામ જોવાની હોંશ સૌ કોઈને હોય. પણ એ સૌ કંઈ લેખક બની શકતા નથી. એકવાર માનો કે બની ગયા તો પણ હંમેશને માટેબનેલા રહી શકતા નથી. નાનાભાઈને શી ખબર ? લેખક તરીકે તાજા ઉગેલા હતા. હજુ માથે તડકો ક્યાં પડ્યો હતો ? ધીરે ધીરે ચામડી બાળી નાખે એવો તડકો પડ્યો. પહેલો અનુભવ એવો થયો કે એમની પહેલી નવલકથા વખતે એમને રૂપિયાની એવી તાતી જરૂર કે એની હસ્તપ્રત એમણે એક પ્રકાશકને બસ્સો રૂપિયાની ઉચ્ચક મામૂલી રકમમાં આપી દીધી. રાજકોટ મારે ત્યાં આવ્યા હતા અને હું જ એમને સાયકલના કેરિયર પર વેંઢારીને ત્યાં લઇ ગયો હતો. બસોની કિમત એ વખતે ઠીક હતી પણ દળદાર નવલકથાના હક્કો ખરીદવા માટે બહુ મામૂલી ગણાય, પણ શોષણ સામે અક્ષર અમે ન બોલી શક્યા. કારણ કે અમે નાનકડા અને નવા હતા. બ્રોકરની ઓળખાણ મને મોહમ્મદ માંકડે કરાવી હતી એટલે મેં એમને પ્રસ્તાવના લખી આપવાની વિનંતી કરી હતી પણ નવલકથા પ્રસ્તાવના લખવાજોગ લાગે તો જ લખી દેવાની એમણે હા પાડી હતી. પણ વાંચીને એટલા બધા રાજી થયા કે બહુ ઉલટથી લખી આપી. અને લખ્યું કે આ માણસમાં સૌરાષ્ટ્રના પન્નાલાલ થવાના બીજ છે. એમને થોડા સાહિત્યિક-સત્સંગનો લાભ મળ્યા કરે તેવી ગોઠવણ કરજો..
એ પછી એમની બીજી નવલકથા લોહરેખાબે ભાગમાં પ્રગટ થઈ. એક વિદ્વાને એને સિનેમાસ્કોપિક નવલકથાતરીકે નવાજી. સંખ્યાબંધ પાત્રોને સમાવતી એ નવલકથા સાચે જ ધરતી સાથે જડાયેલી નવલકથા હતી. જીવનના સંસ્પર્શથી ભરી ભરી અને છતાં કલાકારીના ટુકડાજેવી. એ પછી છાપાઓમાં હપ્તાવાર પ્રગટ થતી અને પુસ્તકાકારે પ્રગટ થયેલી અનેક નવલકથાઓ બહાર આવી. ‘મેઘરવો’ ‘સુરજ ઉગ્યે સાંજ’ ‘ભીનાં ચઢાણઅર્ધા સુરજની સવાર’ – ‘એંધાણઅને અનેક લોકકથાઓ પ્રગટ થઈ, વાંચતા ડોલી જવાય એવી ટૂંકી વાર્તાના સંગ્રહો પ્રગટ થયા. ભજવવા લાયક બાળનાટકોનો સંગ્રહ અને સૌરાષ્ટ્રમાં જેને ઓઠાં કહેવાય તેવી લોકદ્રષ્ટાંતકથાઓના સંગ્રહ ધકેલપંચા દોઢસોરાજકોટના પ્રવિણ પુસ્તક ભંડારે પ્રગટ કર્યા. વાંચકોમાં નાનાભાઈ બહુ લોકપ્રિય થયા- પણ ઉન્નતભ્રૂ વિવેચકો સુધી એમની છાલક ન પહોંચી. ‘સંદેશજેવા માતબર દૈનિકમાં રવિપૂર્તિમાં એમની અતિથિના ઉપનામે પ્રગટ થતી અલખનો ઓટલોકટાર વાંચીને તારક મહેતા જેવાએ વિનોદ ભટ્ટને પૂછાવ્યું કે આવું સરસ લખનાર માણસ છે કોણ ? ક્યાં રહે છે ? –મોહમ્મદ માંકડ જેવા એમની ટૂંકી વાર્તાઓ વાંચીને પ્રભાવિત થઈ ગયા છતાં આપણા માન્ય વેલ્યુઅર્સ અને સર્ટીફાયર્સ સુધી એમને આંબવાનું બન્યુ નહીં. કારણ એમની પોતાની જાતમાં જ પોતાના ઢોલ પર દાંડી પીટવા માટેનું કોઈ યંત્ર નહોતું. એ ગામડીયા રહ્યા. જનસંપર્કના કોઈ જોરદાર મૈત્રીતંત્ર વગરના રહ્યા. પારખુ માણસો સુધી પહોંચ્યા પણ અવાજદારો સુધી ન પહોંચી શક્યા. એમાં થોડો એમનો પણ વાંક હતો. સતત લઘુતાભાવ અનુભવતા રહ્યા અને હું તો કંઈ નથીમાનતા માનતા મીંડુ થઈ જવાય ત્યાં સુધી અંદર ને અંદર બેવડ વળી ગયા. એક વાર મને એમણે લખ્યું: ‘હું કંઈ લેખક નથી. યાતનામાંથી છૂટવા માટે લખું છું.’
એક વાર મેં એમને આમ શા માટે? કહીને ઠપકો આપ્યો તો કહે કે હું તો ટૂકડે ટૂકડે કપાઈને જીવું છું. એક વાર બાપાના ઠપકાથી ઘવાઈને કૂવે પડેલો ત્યારે કાળુ આયરે મને મેં એના હાથે લોહી નીંગળતું બટ્કું ભર્યું તો ય બચાવેલો. બીજી એક વાર ડબલ ન્યુમોનીયા થયો ત્યારે મને સાથરે લીધેલો. પંથદીવો પણ પ્રગટાવેલો. પણ મારી આજુબાજુ વાંસળીઓ વાગતી હોય્ એવો મને ભાસ થયો ને હું બેઠો થયો. પુનર્જન્મ પામ્યો. ત્રીજી વાર મારી મા જેવી ભાભી પાંચુબેન કેન્સરથી પીડાઈને મને ભાઈ, મને ઝેરનું ઈંજેકશન આપી દો.’ એમ બોલતી હતી ત્યારે મારો એક ટૂકડો કપાઈ ગયો હતો. આમ કપાઈ કપાઈને જીવું છું ને ગરોળીની પૂંછડીની જેમ ત્રુટક ત્રુટક તરફડ્યા કરું છું. બીડી વાળતો હતો ત્યારે એમાં એટલો બધો  હાથ બેસી ગયો હતો કે ઘરાક મારી વાળેલી બીડી જ માગતા હતા છતાં હું ભૂખે મરતો હતો. આજે સામયિકો અને છાપાં મારી વાર્તા માગે છે તો ય એટલો દખી છું. પુત્રને કોલેજમાં દાખલ કરવા માટેનો ખર્ચો પણ મારી કલમ જોગવી શકતી નથી. થાય છે કે ગુજરાતી ભાષામાં લખવાના આ ફંદ છોડીને ફરી પાનબીડીની- ઘાસલેટની હાટડી માંડુ. બાકી સમજી શક્યો છું કે માણસ જન્મે, ભેગું દુઃખ જન્મે, એ મોટો થાય, ભેગુ દુઃખ મોટું થાય. એ ખુદ ટકે એટલી જ વાર દુઃખ પણ ટકે. આમાંથી કોઈ આરો-ઉગારો ખરો કે નહીં ?’
એ વખતે વંડા (વાયા ધોળા જકંશન- સૌરાષ્ટ્રમાં) પ્રાથમિક શાળામાં શિક્ષક એવા નાનાભાઈ જેબલીયા ઉર્દૂ શાયર ગાલિબના શેરની પ્રથમ પંક્તિ જેવું પૂછતા હતા. ગમે હસ્તિ કા અસદ કીસસે હૈ જૂજમર્ગ ઈલાજ’ (હૈ ગાલિબ, આ હયાતીની પીડાનો કોઈ ઈલાજ ખરો ?)
             જવાબમાં મેં ગાલિબની એ જ શેરની બીજી પંક્તિ ટાંકી: ‘શમા હર રંગમે જલતી હૈ સહર હોને તક’ (મીણબત્તીએ કોઈ પણ રીતે સવારોસવાર સળગતા જ રહેવાનું છે.’)
હા, પણ જો એના પ્રકાશની  કોઈ નોંધ પણ ન લે તો એની વળી જૂદી જ પીડા છે. જૂદા જ પ્રકારની વ્યથાની એ સમજી શકાય તેવી વાત છે, અચાનક મરવાની નહીં, ધોમ તડકામાં ધીરે ધીરે કરમાતા જવાની વાત છે,.નાનાભાઇ જેબલીયા મર્યા નથી કરમાઇ કરમાઇને ખર્યા છે. પણ ફોરમ ક્યાં લુપ્ત થઇ  છે ?
*****    ****  ****

નાનાભાઈ ૨૦૧૧ ની મુલાકાત દરમ્યાન: આજનું
કશું યાદ નથી, ગઈ કાલ એમની એમ યાદ છે. 
સંસ્મરણો અનેકાનેક છેપણ એ ઉતારવાની આ જગ્યા નથી, છેલ્લી વાર જુન 2011 માં ખડસલીની એક સંસ્થાના સમારંભમા હાજરી આપીને ભાઇ બીરેન કોઠારી સાથે એમને ત્યાં જવાનું બન્યું હતું, ત્યારે અમારું મળવાનું લગભગ એકપક્ષી હતું, મને એકનો એક સવાલ વારેવારે પૂછ્યા કરતા હતા ક્યારે આવ્યા?”, “ક્યારે આવ્યા ?”, "ક્યારે આવ્યા ?મારો જવાબ એમની સ્મૃતિની ઉપલી પોપડીને પણ ખેરવી શકતો ન હતો.. છતાં અચરજ એ વાતનું  કે સાવ તળીયાની વાતો એ યાદ કરતા હતા

"યાદ છે ને......." 

અંદેશો હતો જ કે આ છેલ્લું મિલન બની રહેશે. 
"સવિતાના ઇનામોના અમે કાઢેલા વારાઓની  વાતો  અને બીડીના બંધાણને કારણે એમનું લોહી એમનાં પત્નીને ચડાવવાની ડૉક્ટરે ના પાડી હતી અને પોતે એથી ચોધાર રોયા હતા એની રાજકોટમાં ડામરની સડક પર ચાલતી વખતી એમના લોખંડની નાળ જડેલાં ભારે પગરખાં ધડ ધડ અવાજ કરતા હતા ત્યારે મેં એમને ટપાર્યા હતા એની અને એવી બધી...
બીરેને ફોટા પાડ્યા અને એક એક બબ્બે મિનિટની વિડીયો ક્લિપ પણ ઉતારી. આ ક્લીપમાં અમારી વાર્તા હરિફાઈની વાતો કરતા નાનાભાઈ જોઈ શકાય છે. 


હવે એમને હયાત જોવા હોય તો કાં તો એમનાં પુસ્તકો અને કાં તો ફોટા અને આ વિડીયો ક્લિપ !
અને હા, ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પાને તો ખચિત જ ઉકેલનારને વાંચતા આવડવું જોઇએ એ શરત !