Saturday, July 23, 2011

જાગા શરાબખાનેમેં



પોઢ્યો સનમની સેજમાં, જાગ્યો તો પીઠામાં હતો,
ગુજરી હશે ક્યાં રાત? સાંજે તો ઉપવનમાં હતો!


અનિલ બિશ્વાસ
( કોઇ કલાકારના જીવનની કોઇ આંતરિક હોનારતની વાત બહુ કરુણા ઉપજાવનારી હોય છે. એવા કેટલાય ‘જીનીયસ’ લોકોને હું જાણું છું કે જેમને કુદરતે સતત પીડ્યા કર્યા છે. એવા એક દિગ્ગજ સંગીતકાર હતા અનિલ બિશ્વાસ. નૌશાદ પણ જેમને ગુરૂ માનતા એવા અનિલદાનું પ્રથમ સંસારજીવન અતિ વ્યથાપૂર્ણ હતું. તેમના પ્રેમલગ્નનાં પત્નિ આશાલતા(મૂળ નામ મહેરુન્નિસા) એ તેમને રંજાડવામાં કોઇ કસર નહોતી છોડી.છેવટે તેમને રીતસર પાયમાલ કરીને પછી જ તે સ્ત્રીએ તેમનો છાલ છોડ્યો.
અનિલદા જેવા સિનિયર મોસ્ટ સંગીતકારને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને છેવટે દિલ્હી જઇને આકાશવાણીની નોકરી સ્વિકારવી પડી. ખેર, અત્યારે એમની વધુ વાત નથી કરવી. પણ મારા મનમાં અનિલદાનું નામ આવ્યું એવા જ જિનિયસ’ શાસ્ત્રીય સંગીતકાર અને ઉત્કૃષ્ટ ગાયક કલાકાર દયાનંદ દેવગાંધર્વની યાદની સાથે જ જોડાઇને. અલબત્ત, અનિલદાની પાછલી જિંદગી તો મીના કપૂરના હૂંફાળા સહવાસમાં ઘણી સુખેથી વીતી, પણ દયાનંદ દેવ ગાંધર્વને તો તેમના છિન્ન-વિચ્છિન્ન લગ્નજીવને નશાની લતે ચડાવ્યા અને છેવટે એક દર-દર ભટકતા ભિખારીની દશામાં મુકી દીધા.

હું 1978 ના અંતથી 1982 ના અંત સુધી જૂનાગઢમાં હતો. ત્યારે મિત્ર વૃંદાવન સોલંકી જેવા ઉત્તમ કલાકાર મિત્ર તો મળ્યા પણ બીજા એવા કેટલાક દુઃખિયારા જીવોનો પણ ભેટો થયો કે જેઓ મારી એ જ અરસામાં શરુ થયેલી કોલમ ‘ઝબકાર;ના જીવંત પાત્રો બન્યા.તેમાંના એક દયાનંદ દેવગાંધર્વ પણ હતા. તેમને મળીને જે લેખ મેં લખ્યો હતો તે ફરીથી થોડા જરૂરી ફેરફાર સાથે અહિં મુકી રહ્યો છું.)

***** ***** *****

વાળમાં કાંસકો ફેરવવા જાઓ તો કાંસકો બટકી જાય પણ વાળ સરખા ન થાય. માથામાં છેલ્લી વાર તેલ નાખ્યાને પંદરેક વર્ષ થઈ ગયાં હશે. ચહેરાને ઉપમા આપવી હોય તો સુકાઈ ગયેલી ખોરાક સ્મરણે ચડે. અઢવાડિયા પહેલાં દાઢી કરવાનો વખત મળ્યો હશે તો આજે શા માટે નહીં મળ્યો હોય? ઘણા માણસોની ઊંચાઈ વધી જ નહીં હોય એમ લાગે, પણ આ દયાનંદ દેવગાંધર્વના મામલામાં એમ લાગે છે કે ઊંચાઈ વધ્યા પછી એકાએક ઘટી ગઈ હશે. કારણકે ખભા ખળભળીને નમી ગયા હતા. કોટ ન પહેર્યો હોય તો આ માણસ ખભા વગરનો માણસ લાગે. ટૂંકા ઝભ્ભા ઉપર ચોળાઈ ગયેલો કોટ અને નીચે પલાંઠી વાળતાં લુંગીની જેમ ઓટોગોટો વળી જાય તેવો લેંઘો પહેરવાનું માહાત્મ્ય એ ખુદ જ જાણે.
દયાનંદ દેવગાંધર્વ
આ વર્ણનમાં મારા શબ્દો વડે મેં એના ગળાને અને આંખને અડપલું એટલા માટે નથી કર્યું કે એમ કરવા જાઉં તો દેવી સરસ્વતી માફ ન કરે. કારણ કે દયાનંદ દેવગાંધર્વના ગળામાં હજી એનો વાસ અને આંખોમાં હજી એનો ઉજાસ છે, તિખારા, ભલે બુઝાઈ જવા આવેલા, પણ છે. જૂનાગઢમાં વસતા સંગીતજ્ઞ બચુભાઈ રાજાને મેં લગભગ કરગરવા જવા અવાજે કહ્યું : ‘બચુભાઈ, મારે લખવું છે આ માણસ વિષે. પણ કોઈ કશું ખાસ એના વિષે જાણતું નથી. તમે આવા પ્રખર ગાયક વિષે ન જાણતા હો એવું ન બને. મને કહો, એના વિષે કહો.’

‘લખો કે 1960 ની અખિલ ભારતીય આકાશવાણીની શાસ્ત્રીય સંગીત હરીફાઈમાં એને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળેલો. આજના વિખ્યાત ગઝલગાયક જગજિતસિંઘ એનાથી બીજે નંબરે આવેલો. એમ પણ લખો કે એ પંડિત શિવકુમાર શુક્લનો શિષ્ય અને આમ એની ગાયકી અમાનઅલી, એટલેકે ભીંડીબજાર ઘરાનાની.

‘બચુભાઈ’ મેં કહ્યું : ‘આટલું જ જો લખીશ તો અમારા વાચકો ભારે દિલદાર છે. દયાનંદ દેવગાંધર્વની છબી એવી ચીતરશે કે જાણે ખભે ખેસ, લાંબાં ઓળેલાં ઓડિયાં, મળેલા સન્માનના અરીસા જેવા ચક્ચકિત ચહેરો, ખભે તાનપૂરો, એને મળવા માટે અગાઉથી પત્ર લખીને એપોઈન્ટમેન્ટ લેવી પડે. ઉપાડ્યો ઊપડે નહીં એવો કલાકાર....’

‘કલાકાર તો એ ઉપાડ્યો ઊપડે નહીં તેવો જ છે’ એમણે કહ્યું : ‘પણ મળવા માટે એપોઈન્ટમેન્ટની વાત કરતા હો તો ... ’ બચુભાઇનું એ હાસ્ય આજે ત્રીસ વર્ષ પછી પણ હું “રિપ્લે” કરી શકું એમ છું.

‘આજે સવારે જ મારી પાસે આવેલા.,’ મેં કહ્યું, ‘ અને ફરી આવીશ તેમ પણ એ કહેતા હતા.’

અમારી બન્નેની વચ્ચે થોડી વાર મૌન પથરાઇ રહ્યું. મેં કશું પૂછ્યું નહીં અને એ કશું બોલ્યા નહીં. અમસ્તાય એ કોઈના ય ભેદ ખોલે એવા માણસ નહોતા. પણ એમની જગ્યાએ કોઈ બીજો માણસ હોત તો અમારી વચ્ચે નીચે મુજબ વાતચીત થઈ હોય, એવી મારી કલ્પના છે.

‘સવારે તમારી પાસે અમસ્થા જ આવ્યા હતા ?’ એમણે પૂછ્યું હોય.

‘ના’ મેં કહ્યું હોય ‘પૈસા લેવા આવ્યા હતા. ’

નશો જીવનની રાહ બની ગઈ
‘ લઈ ગયા ? કેટલા ? ’

‘એમણે વધારે માગ્યા પણ નહીં. દસ માગ્યા. રાજકોટ જવા માટે ટિકિટભાડાના આપો એમ કહીને માગ્યા. મેં આપ્યા.’ ( આ વાત 1981ની છે .એ વખતે આટલી રકમ રાજકોટ પહોંચવા માટે ઠીક હતી)

‘થયું ત્યારે’ એ બોલે: ‘ઘુમાડો થઈ ગયો તમારા એ રુપિયાનો ! ’

‘એટલે ? ’

‘ચરસ અથવા ગાંજો ’

-આટલા મૌન સંવાદ પછી હું જરા ખિન્ન તો થઇ ગયો પણ પછી વિચારની એક નાનકડી લહેરખી આવી ગઇ. દસ રૂપિયા આપીને આપણે આ જબરદસ્ત કલાકારને શું ન્યાલ કર્યો હતો ? એ રૂપિયાનું એણે જે કર્યું હોય તે. આપણે બહુ વિચાર ના કરવો કે જે હજારો રૂપિયા આપ્યા પછી કરવાનો હોય, ખેર, ત્યાંથી નીકળીને હું મારા મિત્ર અનિરુદ્ધ જાનીના સંગીતરસિયા પિતા દયાશંકરભાઈ જાની પાસે આવ્યો. મેં સવાલ પૂછ્યો તો ટેપરેકોર્ડરમાંથી માથું ઊંચું કરીને બોલ્યા ‘અદભુત !’

‘શું અદભુત ?’

‘સરગમ એની પાસે વીજળી બને છે’ ‘સંદેશ’ તા. 13-1-80 ના અંકમાં પ્રગટ થયેલા ‘બિલાવલ’ના શબ્દો ટાંકીને એ બોલ્યા : ‘સંગીતની એની સૂઝ હેરત પમાડે તેવી છે. સ્વર અને લય વચ્ચે ચીજનો શબ્દ મૂકીને એ આપણને મોહક અચંબામાં ઝબકાવે છે. દયાનંદ દેવગાંધર્વમાં સંગીતની સિકસ્થ સેન્સ છે’

‘બીજું કાંઈ ?’

‘અનેક પ્રોગ્રામોમાં એમણે ગરુડવાણી નાનો અસામાન્ય રાગ, જે સાડાનવ લાટના તાલમાં ગવાય છે તે ગાઈ બતાવ્યો છે. સાત બીટના તાલમાં એણે મીનાક્ષી તોડી પણ રજૂ કર્યો અને સંગીતની કલામાં મંદિર ચણી દીધું જોતજાતામાં. અજે પણ સંગીતના અખિલ ભારતીય રેડિયો કાર્યક્રમોમાં શ્રોતાઓ એને કાન દઈને સાંભળે છે ?’

‘પણ જાનીકાકા’ મેં કહ્યું : ‘ગઈ કાલે રાતે એણે મારા એક મિત્રને ત્યાં રાતના બે સુધી ગાયું પણ સ્વર લથડી ગયો હતો. ચૂક થઈ જતી હતી. થાકી જતા હતા. એમ લાગ્યું હતું કે એમની આંખો પ્યાસી થઈને જાણે ક્યાંક ભટકે છે. આમ શા માટે બનતું હશે ?’ હજી એમની ઉંમર શી ? વર્ષ તો બેંતાલીસ જ ને ? ’

જવાબમાં જાનીકાકા કાંઈ બોલ્યા નહીં. વ્યક્ત થયા વગરનો જવાબ માણસને ઘણી વાર અંદરથી પીડે છે. એ અંદરથી પીડાતો હતા. કદાચ એમ લાગતું હતું કે દયાનંદ દેવગાંધર્વ આ લતે કયાંથી ચડયા ? ’

જાનીકાકા પાસેથી ઊઠી આવીને હું ગિરનારના રસ્તે આવેલી રામટેકરી ઉપર ગયે।. દયાનંદ દેવગાંધર્વ ખુદ ત્યાં મળી જવાની સંભાવના હતી, પણ એ અંદરના રૂમમાં સંધ્યાટાણે સૂતા હતા. રામટેકરીના પૂજારી અને દયાનંદના પરમ પ્રશંસક મિત્ર અને આશ્રયદાતા રામનાથજી મળી ગયા. એમને મેં આ સવાલ કર્યો ત્યારે: : ‘ અગર ઉસી સવાલ કા જવાબ હમેં મિલ ગયા હો તો ઉન્હેં યે આદત છુડવા ન દેતે ? ’ એમ બોલ્યા.

જવાબ તાર્કિક હતો. અને એમાં તર્ક ઉપરાંત એક મિત્રની વેદના ગર્ભાયેલી હતી. ભીંતે ટીંગાડેલા કેસેટ પ્લેયરમાંથી મધ્ય લયમાં દયાનંદનો સ્વર અભોગી વહાવતો હતો. અને એમાં સમ પર આવી જવાની એમની આવડત અને કલા અપૂર્વ રીતે એમના ઘરાણાનો પરિચય કરાવતી.

એકાએક રામદાસજી ઊઠયા અને કેસેટપ્લયરને ધીમું કરીને બોલ્યા : ‘ દયાનંદ યહાં જૂનાગઢમેં હમેશા કહાં રહેતા હૈ કિ હમ ઉસકી લત છુડવાયેં ? યહ તો આજ યહાં તો હપ્તે બાદ આસામમેં નજર આયેગા. ઇસકે બાદ દિલ્હીમેં રેડિયો પર સે ઉસકી આવાઝ નેશનલ પ્રોગામ મેં સુનાઈ પડેગી, તો હપ્તે બાદ વો કન્યાકુમારી મેં ધૂએં નિકાલતે પડા હોગા. ’

‘ ઉનકા અપના સ્થાયી ઘર ? ’

‘ કહીં નહીં .’ રામદાસજી બોલ્યા : ‘ ઔર સબ જગહ.’ એટલામાં જ દયાનંદ દેવગાંધર્વ પોતે જ અંદરથી ઊઠીને બહાર આવ્યા. એમની આંખોમાં ઘેનના લાલ લાલ દોરા હતા. ‘કયું ? ’ મેં મશ્કરીમાં પૂછયું : ‘ રાજકોટ નહીં ગયે આપ ? ’

જવાબમાં એ કબૂલાતનામા જેવું હસ્યા અને મારા પગ પાસે બેસી ગયા.

‘અરે અરે !’ મેં ચોંકીને કહ્યું : ‘યે ક્યા કર રહે હો ! ઇતને બડે કલાકાર હોકર..’

‘રહેને દો.’ એકદમ ખરજતા સ્વરમાં એમણે કહ્યું : ‘આપ સે દસ રૂપિયે જો લિયે થે.’

કોઈ છરી મારે તોપણ કદાચ આવી વેદના ન થાય. સાંભળનારને થઈ (વાંચનારને પણ કદાચ થઈ હશે) તો બોલનારને કેટલી થઈ હશે ? દસ રૂપિયાનો ડામ આવડો મોટો પડે ? એમણે મારા ઉપર કટાક્ષ કર્યો, કે ખરેખર એ આટલી નીચી સપાટીએ ઊતરી ગયા ?

‘દયાનંદજી.’ મેં કહ્યું : ‘મેં આપકે બારેમેં મેરે કોલમમેં લિખના ચાહતા હૂં.’

‘ક્યા લિખના ચાહતે હો ?’

પેલો સવાલ મારા મોંએ આવી ગયો કે એવી તે કઈ વેદનાએ અમને આમ કીડાની જેમ અંદરથી કોરી ખાધા ? પણ મેં જોયું તો હજુ દયાનંદ દેવગાંધર્વ એ આલમમાં નહોતા. માથું હજુ ડોલતું હતું. મેં એટલે સાવ સ્થૂલ સવાલો એમને પૂછવા માંડ્યા : ‘તમારો જન્મ ક્યાં ?’ કોને ઘેર ? કેટલાં ભાઈબહેન ? સંગીતનાં સંસ્કાર કેવીરીતે ?’

‘સોલાહ માર્ચ બયાલીસમેં ઉદેપુર રાજસ્થાનમેં મેરા જન્મ. પિતાજી ઉદેપુર કે બહોત બડે રાજગાયક થે. સંગીતકા શૌક બચપન સે. સાત વર્ષ કી આયુમેં દેવદત્ત નાદમૂર્તિને સંગીતકી વિશેષ તાલીમ દી. હમ દસ ભાઈબહેન થે. હમ સબસે છોટે, શાયદ પ્યાર ભી કિસ્મત મેં સબસે છોટા આયા... ફિર ભી...’ જવાબને એકદમ ધક્કા મારીને આગળ ધકેલતા હોય એમ બોલ્યા :

‘સોલાહ સાલકી ઉમરમેં હી પિતાજી ગોપાલજી દેવ-ગાંધર્વ મુઝે બડૌદા લે ગયે. વહાં પંડિત શિવકુમાર શુક્લ મેરે ગુરુ બને. મ્યુઝિક કાલેજમેં ડિપ્લોમાં લિયા.’ એ વાત કરતાં કરતાં અંદર પડેલા ભૂતકાળના અવશેષોને તપાસવા માંડ્યા. રાષ્ટ્રપતિ એવોર્ડ અને પછી આકાશવાણી ઉપર સિદ્ધિઓની પરંપરા. પણ પછી પેટનો તકાજો. બે-ત્રણ સ્કૂલોમાં સંગીત શિક્ષક તરીકે અતુલ (વલસાડ) ની કલ્યાણી સ્કૂલમાં નોકરી – મુંબઈમાં એસ. કે. લાલભાઈ ગ્રૂપમાં કામ કર્યું – મ્યુનિસિપલ સ્કૂલમાં નોકરી કરી. કલ્યાણજીભાઈના (કલ્યાણજી આણંદજી) પુત્રને, અને હેમામાલિનીના કુટુંબમાં છોકરીઓને તાલીમ આપી. આવી તો છૂટક છૂટક અનેક નોકરીઓ કરી. વાદ્યમાં તબલાં પણ બજાવવાનું કામ કર્યું.

દયાનંદ દેવગાંધર્વ વાત કરતાં કરતાં આમ ઉપરની સપાટી ઉપર વિચરતા હતા. પણ એકાએક રામટેકરીના મંદિરમાં ઘંટારવ થયો અને એ ઊંડા ઊતરી ગયા. એમની આંખ ખૂલી ગઈ. એ બોલ્યા : ‘ફિર સબ કુછ છોડ દિયા... અકેલે મેં રહે કે સાધના શુરૂ કી... ચાણોદ કે નર્મદા કિનારે જાકે ત્રિકમજી મંદિરમેં રહા... પૂર્ણિમામેં જલસા કિયા... સંગીતકી ઘોર સાધના કી. ફિર આસામ ચલા ગયા... તેજપુર, ગોહાટી...સાત-આઠ માસ તક સીખતે હીર હે... ફિર કન્યાકુમારી, કેરાલા, પૂના, બોમ્બે, પરિભ્રમણ... પરિભ્રરણ... પરિભ્રમણ...અતૃપ્ત આત્મા કા પરિભ્રમણ...

‘જૂનાગઢ આના કૈસે હુઆ, દેવગાંધર્વજી ?’

‘બમ્બઈ મેં રહતા થા તબ વહાં એક સંગીતપ્રેમી ગૃહસ્થ રમણભાઈ મહેતા સે મુલાકાત હુઈ થી. વો રામટેકરી કી જગા કે ભક્ત થે – વો મુઝે યહાં લે આયે... ’

સંગીતમાં સિફ્તથી સમ પર આવી શકનાર દેવગાંધર્વ પોતાના જીવનના સમ પર આવી શકતા નહોતા..મેં ધીરેથી પૂછ્યું : ‘શાદીબાદી હુઈ કિ નહીં ?’

ઘંટારવ બંધ થતાં પૂજામાં બેઠેલો માણસ આંખ ખોલે એમ એમણે એમની લાલ લાલ આંખો ખોલી. પહેલી જ વાર મને એમ લાગ્યું કે એમની આંખોમાં એમનો પ્રાણ આવી ગયો છે. ઢોળાતા ગ્લાસને કોઈ સમાલી લે એમ એમણે વાણીને સમાલી લીધી, બોલ્યા : ‘સન ઈકસઠ મેં માતાપિતા કે ઘોર (ઘોરનો અહીં કયો અર્થ કરવો ?) આગ્રહ કે કારણ શાદી કી. મેરી ઉન્નીસ સાલકી ઉમ્ર થી. શાદી કા બંધન જમા નહીં, મન લગા નહીં. ટ્યૂનિંગ હુઈ નહીં... પરિસ્થિતિ અનુકૂલ નહીં હુઈ. ટૂટ ગયા. સબ ટૂટ ગયા. સબ તિતર બિતર હો ગયા. ખતમ હો ગયા. ’

‘ફિર ? ’ મેં પૂછ્યું : ‘આપ કા ઘર કહાં હૈ ?’

‘ઘર નહીં, બચ્ચા નહીં, બીવી નહીં.’ એમણે મારી સામે ડારી નાખતી આંખે જોયું :

‘ભક્તિ મેં મન લગ ગયા...નશા કિયા... જરૂર ઉસમેં ખોયા નહીં... અધ્યાત્મકલા કા સાગર અતિ ગહેરા હૈ... ખો જાના અચ્છા હૈ.’

‘આપકી આજીવિકા કા સાધન ?’

‘છોટેમોટે કાર્યક્રમ ઔર કુછ કદરદાં લોગ...’

‘કદરદાં લોગ’ પણ ક્યાં સુધી ચાલે ? બચુભાઈ રાજાએ ઓફર કરી હતી કે જૂનાગઢમાં રહીને સંગીત શીખવો. જગ્યા હું આપું. નિભાવું હું... પણ દયાનંદ દેવગાંધર્વના પગમાં પદ્મ છે. બાકી બધું છિન્નભિન્ન છે. કવિતા લખવાના રવાડે પણ ચડ્યા...એક પંક્તિ જુઓ, ‘શરાબ કી કશીશ મેરી રૂહ કો તૌબા, હરમ મેં સોયા તો જાગા શરાબખાનેમેં.’ બીજું કંઈ નહીં, ધુમાડાની આરપાર જોઈ શકો તો સંગીતનો દેવતા હજી ધખધખે છે. હું એ અનુભવતો હતો. ત્યાં પછી પાછા ઘેઘૂર આંખે મને કહે : ‘એક ઔર દસ રૂપિયા દે સકતે હૈં આપ?’ પછી અટકીને બોલ્યા : ‘પાંચ ભી ચલેંગે.’

પછી લથડિયાં ખાતા ઊભા થયા. ભીંત પાસે ગયા. પોતાનો જ કંઠ વહાવતા કેસેટ પ્લેયરને બંધ કરીને પૂછ્યું : ‘દોગે ના?’

***** ***** *****

ત્રીસ વર્ષ થયા આ સવાલને ! હજુ એનો સીધો જવાબ મનમાં આવતો નથી.પાંચ-દસ રૂપિયા એમને આપવા ? ના આપવા ? જો કે હવે એમને પણ જવાબની તલબ નથી. હવે એ નથી રહ્યા.

(નોંધ: દયાનંદ દેવગાંધર્વની આ દુર્લભ તસવીર શ્રી કર્દમ આચાર્ય દ્વારા ઉપલબ્ધ બની શકી છે, જે આ લેખ મૂકાયાના ત્રણ વરસ પછી પ્રાપ્ત થઈ છે. તેમનો વિશેષ આભાર. અન્ય તસવીર પ્રતિકાત્મક છે, જે ઈન્ટરનેટ પરથી લીધી છે.)

Saturday, July 16, 2011

ગુંજન: કોરસના સાગરમાં સેલારા લેતું ગીત

અમદાવાદમાં લોકો રાતના જમી લીધા પછી પોતાના પોળના ઘરના ઓટલે બેસીને દુનિયાભરની ચોવટ કરતા, તો અમારે કાઠીયાવાડમાં પણ રાત પડ્યે, વાળુ પછી ઓટલાડાયરો જામતો અને એ દિવસોમાં ચાલતા વિશ્વયુધ્ધવેળા છેક હિટલર અને ચર્ચિલને ‘અને પછીના ગાળે નેહરુ અને કૃષ્ણ મેનનને પણ બે ‘સલાહું’ અપાતી જે તેમના સુધી તો ઠીક પણ શેરીના નાકા સુધીય ના પહોંચતી. પણ એ બહાને પોતાના મનની મોળ ઉતાર્યાનો માનસિક સંતોષ તો બેશક મળતો. બસ , આથી વધુ કાંઇ એ કલાક -બે કલાક પછી ઘોંટી જનારા જીવને જોઇતું પણ નહોતું. કારણ કે સવારે તો એણે બેબાકળા ઉઠીને ,હડી કાઢીને કામે જૂતી જવાનું રહેતું. પછી તો કોણ ચર્ચીલ અને કોણ ભૂતોભાઇ ? ધંધે કી કુછ બાત કરો,. કુછ પૈસે જોડો,ભાઇ !
મને લાગે છે કે આ બ્લોગ પણ એ ઓટલાનું જ ઇ-સ્વરૂપ છે. એટલે મેં એનું નામ પણ અવકાશી ઓટલો પાડ્યું છે. સૌ પોતપોતાને કહેવાનું જે કાંઇ છે તે અહિંથી કહી શકે. જો કે એના વ્યાપ માટે શેરી નહિં પણ આજની ઇ–શેરી છે, એ સમજ્યા પછી “મનની મોળ” ઉતારી શકાય એ હિસાબે આ અવકાશી ઓટલામાં આજે થોડી જૂના ફિલ્મ સંગીતની વાત કરવાનું રાખ્યું છે. અને આ બ્લૉગમાં અવારનવાર આ તો આવતું રહેશે. મૂળ મારી રગ એ જૂનું હિદી ફિલમ, સંગીત છે ,.સાહિત્ય નહિં. ભગવાને મને પણ ખરો ભાઠે ભરાવ્યો !. ટિકીટ માગી’તી મુંબઇની તો પકડાવી ઓખાની ! ચાલો , ઓખાથી જ તાર મુકું ,.


****  ***** ***** *****

મને સૌ ગાયકો ગમે છે પણ વધુ ગમતા બે જણ- પહેલા તલત મહેમૂદ અને પછી હેમંતકુમાર. જયારે જ્યારે આ બે જણને અન્યાય થતો જોઉં છું ત્યારે મારી આંતરડી કકળી ઉઠે છે.જાણે કે કોઇએ મારા હૃદય પર બ્લેડનો કાપો મૂક્યો!

હેમંતકુમાર-લતા મંગેશકર
આવું એક ગીત અહિં આપી રહ્યો છું. જેને જાણકારો જેવા જાણકારો પણ લતાભક્તિમાં અંધ થઇને એને એકલા લતા મંગેશકરના ગીત તરીકે ઓળખાવે છે. .લતાજી જેવાં યુગપ્રવર્તક ગાયિકાનું નામ આવે પછી તો ખુદ લતાજી કહે તોય સાચી વાતને કાનસરો અપાય નહિં. વાતેય સાચી છે કે તેમાં લતાની ગાયકી બેમિસાલ છે પણ તે વાત જેટલી સાચી છે એટલી જ અધૂરી છે. આ ગીતમાં હેમંતકુમારના કંઠનો થોડો પણ હિપ્નોટિક જાદુ છે એની નોંધ કેમ કોઇ લેવાતી નથી તેની મને સદુઃખ નવાઇ લાગે છે!  ફ્લ્યુટના સુર પછી તરત જ કોરસથી જ ગીતનો ઉપાડ થાય છે.જેમાં લતાનો સ્વર છે પણ એ લીડીંગ નથી. પારખીને જુદો પાડવો પડે એટલો એમાં એકરસ છે. પણ એમાં ય હેમંતકુમારનો કાનમાં ગુંજન જેવો સ્વર તો છે જ જેની નોંધ હેમંતકુમાર અને તેમના ગીતો વિષે “તુમ પુકાર લો “ નામનો દળદાર ગ્રંથ બહાર પાડનારા સંપાદક ભાઇ રાજ સાહેબે લીધી નથી. ખેર, તે પછી તરત જ ફરીવાર હેમંતકુમારનો સ્વર એના વિખ્યાત હમીંગ સાથે કોરસમાં જોડાઇને આ શબ્દોથી ગીતને વહેતું મુકે છે.જેમાં હેમંતકુમાર –“કુછ નઝર હસી, કુછ નઝર ઝુકી, ટકરા કે લબોં સે બાત રૂકી “ ગાય છે જેને લતા તરત ઝીલીને આગળ વધારે છે. “ યહ બાત છૂપાએ...છુપ ના સકી..” અને એ પછી અપેક્ષા તો એ જ રહે કે એ પોતે જ આગળના શબ્દો ગાશે કારણ કે “છૂપ ના સકી ...” જે રીતે ગવાયું છે એ તો એવી જ અપેક્ષા ઉભી કરે છે. .પરંતુ એને બદલે સુખદ અનુભવ એ છે કે એ પંક્તિઓ “હમ તુમસે મહોબ્બત કર બૈઠે”. કોરસમાં જ બહુ મધુર રીતે આવે છે જેને એ પછી લતા એકલસ્વરે ઝીલી લઇને રિપીટ કરે છે.. આમ તો આખું ગીત કોરસમય છે.પણ એમાં કોરસ સપોર્ટિંગ જ નથી, બલકે પ્રધાન ગાયકોના ગાન પર રેશમી બિછાતની જેમ પથરાયેલું છે. એને તમે ગાયકોના સ્વરથી અલગ ના પાડી શકો...કોરસના સાગરમાં જ ગીતની નૈયા સેલારા મારે છે.મારી ફરિયાદ એટલી જ છે કે સાવ ઓછા શબ્દો અને થોડું શબ્દવિહીન ગાન ભાગે આવવાને કારણે આ ગીતમાંના હેમંત કુમારના જાદુઇ પ્રદાનની પૂરતી નોંધ એને ઝીણવટથી સાંભળનારા પણ લેતા નથી.
ખેર, આ મારો અંગત મત છે પણ બીજી અગત્યની વાત એ કરવાની કે આ ગીત મેં બહુ પાછલી ઉમરે સાંભળ્યું . કદાચ સૌથી પહેલા એ મેં રાજસ્થાનના એક નાનકડા ગામ સેવાડીમાં હવે તો દિવંગત એવા મિત્ર શાંતિલાલ સેવાડીવાલાને ત્યાં 78 આર.પી.એમ.ની રેકૉર્ડમાં સાંભળ્યું. રેકોર્ડ ઘસાયેલી હતી છતાં પહેલીવાર સાંભળતાં વેંત એના પ્રગાઢ પ્રેમમાં પડી ગયો. એ સાંભળ્યું ત્યાં લગી હું 1951ની ફિલ્મ “સઝા”ના ગીત “ગુપચુપ ગુપચુપ પ્યાર કરે” ને હિંદી ફિલ્મ સંગીતનું શ્રેષ્ઠ કોરસ રાત્રીગીત માનતો હતો. પણ “દો બોલ તેરે “ સાંભળ્યા પછી એ સ્થાન “ગુપચુપ ગુપચુપ”ના ગૌરવને લેશમાત્ર ઘસારો પહોંચાડ્યા સિવાય એને મળી ગયું. જે આજ સુધી બરકરાર છે. ભલે એમાં “ગુપચુપ ગુપચુપ “જેવી કામુક અપીલ નથી જે સામાન્ય રીતે રાત્રીગીતોમાં હોતી હોય છે. પરંતુ આ ગીતમાં સ્ત્રીપુરુષના આત્મઐક્યનું કોઇ એવું અદભુત રસાયણ છે કે જે બહુ ઓછા રાત્રીગીતોમાં અનુભવવા મળે છે. એની વ્યાખ્યા થઇ શકે તેમ નથી.
ગીતકાર મધુપ શર્મા
 એમાં શબ્દોનો પણ બેશક ફાળો છે. કવિ મધુપના શબ્દો છે. પણ નિખાલસ અભિપ્રાય આપું તો એવી કોઇ મોટી કવિતા એમાં નથી.સારી શબ્દાવલી છે ,બસ સારી જ છે. બાકી ગીતની મઝા અને સમગ્ર નશીલી અસર એની સ્વરબાંધણીમાં અને કોઇ અલૌકિક એવા વાદ્યસંગીત સાથે કોરસના અને એકલસ્વરોના અવગુંફનમાં છે.એ અવગુંફન પણ પછી તો પીગળીને એક સમરસ રસાયણ બની જાય છે. એ રસાયણની પ્યાલીનો પહેલો ઘુંટ પણ શ્રોતાને વસ્તીથી દૂર કોઇ જંગલમાં, ગુલાબી ઠંડીના વાતાવરણમાં, પૂનમ નહિં પણ સુદ આઠમની હળવી આછા અજવાસભરી ,ઉન્મત્ત નહિં પણ મદિલી મધ્યરાત્રીમાં લઇ જાય છે.અને મદહોશ બનાવી દે છે. એ કેવી નવાઇની વાત છે કે માત્ર એકવીસ જેટલી જ હિંદી ફિલ્મોમાં, સંગીત આપનાર, અને કદિ પણ ટોચ તો શું પણ નોંધપાત્ર સંગીતકારોની યાદીમાં પણ સ્થાન ના પામનાર સંગીતકાર મોહમ્મદ શફીએ ફિલ્મ “દારા”(1953) માટે આ ગીતની સ્વરરચના કરી હતી. સાડા છ ફૂટ ઉંચા અભિનેતા શેખ મુખ્તારે પોતે બનાવેલી આ ફિલ્મ સામાજિક વિષય વસ્તુવાળી હતી જેમાં તેમની હિરોઇનો હતી બેગમ પારા અને નિગાર સુલ્તાના. કુલ સાત ગીતોમાંથી આ એક જ ગીત કાંઇક જાણીતું થયું (પ્રખ્યાત નહિં)આજે એ ફિલ્મની પ્રિન્ટ ઉપલબ્ધ નથી.

 

( फिल्म: दारा, गीत: मधुप शर्मा, संगीत: मुहम्मद शफी


स्वर: हेमंतकुमार, लता मंगेशकर, साथी, रिकॉर्ड नं: N 50637)


लता, साथी: हो... आ...

हे: कुछ नज़र हसीं, कुछ नज़र झूकी

टकराके लबोँ से बात रुकी

ल: ये बात छुपाए छुप न सकी

हम तुम से मुहब्बत कर बैठे

को: दो बोल तेरे मीठे मीठे

ल: (दो बोल तेरे मीठे मीठे

दिल जान के मालिक बन बैठे) \-२ ...

ल: तुम पलकों की परछाई में

तुम ही दिल की गहराई में

हम एक इशारे पर अपनी

दुनिया को तुम्हारा कर बैठे ...

ल: खुशीयों का जो आया यह मेला

दिल से अकेले जब संभला

आकाश की सूनी झोली में

हम चाँद सितारे भर बैठे ...

મોહમ્મદ શફી બીનવાદક બંદે અલીખાનના પૌત્ર.1937માં તેમણે ન્યુ થિયેટર્સના “કપાલ કુંડલા” અને “નર્તકી”મા સિતારવાદન કર્યું હતું. તે પછી અમદાવાદ આવીને મણીનગરમાં ગાયક ગુલામ કાદીરખાનની સાથે “પ્રભાત સંગીત નૃત્ય કલામંદીરની સ્થાપના કરી હતી. એ પછી એક બે ફિલ્મોમાં સિતારવાદન કર્યા પછી 1946માં ફિલ્મ ‘હકદાર’માં સ્વતંત્ર રીતે સંગીત આપવાની તક મળી. એ પછી તો “કાંગુ”. “ દો નૈના” “શિકારપુરી” “બેદર્દ” “અનોખી સેવા” “ ઘરાના”(1949) જેવી ફિલ્મોમાં કોઇની સાથે અથવા સ્વતંત્ર રીતે સંગીત આપવાની તક મળી. “હલચલ” ના નિર્માણ વખતે કે. આસિફને સજ્જાદ હુસેન સાથે વાંધો પડતા બાકી સંગીત મોહમ્મદ શફીને સોંપ્યું. એના ગીતો પણ પ્રખ્યાત થયા. પણ એમનું યાદગાર સંગીત તે “બાજુબંધ” (1954). એનું ટાઇટલ ગીત “બાજુબંદ ખૂલ ખૂલ જાય” અવિસ્મરણીય છે જેમાં પરદા ઉપર બલરાજ સહાની દાદ દેતા જોવા મળે છે.

આ બધી સંગીત યાત્રા દરમ્યાન અનિલ બિશ્વાસ અને નૌશાદ ઉપરાંત બીજા ઘણાના સહાયક રહેવાથી શફી પોતાની અલગ ઓળખ બહુ ના ઉપસાવી શક્યા. બાકી શિરિષ કાણેકર લખે છે કે “સોહની મહિવાલ”નું સંપૂર્ણ સંગીત શફીનું હતું( જો કે એ વાત સાચી મને તો નથી લાગતી કારણ કે એ ફિલ્મના દરેક ગીત પર નૌશાદની સ્પષ્ટ મુદ્રા વરતાય છે..) પણ મારો અનુભવ કહું તો ફિલ્મ “જલતી નિશાની” (1957) નુ હેમંત કુમાર-કોરસનું એક અનન્ય ગીત “કહે રહી હૈ જિંદગી,જી સકે તો જી” એના સંગીતકાર અનિલ બિશ્વાસને હું યાદ કરાવતો હતો છતાં યાદ નહોતું આવતું ત્યારે મારે એમને ગણગણીને યાદ કરાવવું પડ્યું. કારણ ? કારણ બાજુમાં બેઠેલાં મીના કપૂરે કહ્યુ, એ ગીતની ધૂન સહાયક શફીએ બનાવી હતી ! આ ઉત્તમ નહિં તો ઉત્કૃષ્ટ સંગીતકાર 25-12-25ના રોજ જન્મ્યા અને 30-4-80 ના રોજ અવસાન પામ્યા.


આ સાથે એક તસ્વીર એમની એકલાની છે તો બીજીમાં ડાબેથી રોશન, અનિલ બિશ્વાસ,હેમંતકુમાર. અને શફી(ટાઇમાં) અને પછી નૌશાદ છે. નીચે જયકિશન. સી.રામચંદ્ર, અને મદનમોહન છે.

આ ગીતનો સંપૂર્ણ પાઠ આ સાથે આપ્યો છે. એ પુસ્તક “તુમ પુકાર લો” માંથી સાભાર ઉદ્ધૃત કર્યો છે. 720 પાનાનું તે પુસ્તક રૂ. 650 ની કિંમતે તેના સંપાદક રાજકુમાર પાસેથી મળી શકે. તેમનો ઇ મેલ: raaj.kumar884@gmail.com અને raaj_n@hotmail.com

( આભાર- હરીશ રઘુવંશી, ઉર્વીશ કોઠારી અને બીરેન કોઠારી )

Saturday, July 9, 2011

મારું લેખન-વાહ વાહીમાંથી વ્યવસાય સુધી


લખવાનું મન મને છેક હાઇસ્કૂલમાં હતો ત્યારથી  એને કારણે આપણી વાહ વાહ થાયતે વિચારે થયેલું. જોડકણાં .મુક્તકો, કલાપીશાઇ રૂદનકાવ્યો . જોયેલું ને જાણેલું એ બધુ લખાતું.  એનો એક નમૂનો- એક શેરીમિત્ર ‘વજકા’ના અવસાનને કારણે- અરર મિત્ર તું પાર થૈ ગયો, જીવનરેતમાં હું રહી ગયો

પણ વાર્તાલેખન તો મેં મારા કૉલેજકાળથી જ શરુ કરેલું, એટલે કે 1955 થી 1959નો ગાળો. પરંતુ એ પણ વાહવાહી મેળવવાને માટે  જ. સમયની એટલી બધી મોકળાશ હતી કે કોલેજની કોઇ લેખન સ્પર્ધા હોય તો તેની અંતીમ તારીખ પહેલાં જ લખવાનું લખાઇ જતું,એમાં મુડ,પરિસ્થીતી,વાતાવરણ જેવા પરિબળોના પૃથક્કરણને સ્થાન નહોતું. ઇનામની મામુલી રકમ પણ નહિં, માત્ર નામ છપાવવાની અભિલાષા એ જ સૌથી મોટું પરિબળ.

પણ્ લખવાનો ઉન્મેષ સૌથી વધુ 1960 થી 1968ની સાલ દરમ્યાન રહ્યો હતો. એ દરમ્યાન હું પહેલા ભાવનગર અને પછી રાજકોટમાં હતો. વાર્તાસ્પર્ધાઓમાં ઘણા ઇનામો મળ્યા. ચાંદની-આરામ-નવચેતન જેવા માસિકોમાં લખતા રહેવાથી નવોદિતોમાં જરી નામ થયું. આ બધી વસ્તુઓએ મારી લખતા રહેવાની મનઃસ્થિતી બનાવી આપી.હું લખતો રહેતો. ઓડીટર તરીકેની નોકરીએ મને અનેક ગામ ફરવાની અને દિવસો લગી ત્યાં મુકામ કરવાની તક આપી એને કારણે નાનાભાઇ જેબલિયા, રતિલાલ બોરીસાગર.રમેશ પારેખ,અનિલ જોશી, હસમુખ રાવળ જેવા જુવાન મિત્રોની સોબત થઇ. મોહમ્મદ માંકડ અને મકરંદ દવે જેવા સિનિયરોની નજરમાં પણ જરા માન વધ્યું. એને કારણે પણ લખવાની ચાનક ચડતી. એવે વખતે પણ મુડ બુડની ચિંતા નહોતી. બીજા નવોદિતોની  સ્પર્ધા અને મોટાની શાબાશી એ જ ધક્કો મારનારું બળ. એક વાર મકરંદભાઇ મારી એક વાર્તા વાંચીને આખી રાત ઉંઘી નહોતા શક્યા એ વાતના પોરસે મને પોતાને  અનેક રાત્રીઓ સુધી ઉંઘવા નહોતો દીધો. એવું જ રસિક ઝવેરીના પ્રોત્સાહક પત્રથી થયું હતું. આ બધી વાતો  જ પ્રેરણા-મુડ–વાતાવરણની કારક બની જતી. પણ એક વાત ચોક્કસ હતી. વાર્તાઓ ઉપર જિવિકા તો હતી નહિં એટલે એકને એક વાર્તાને રાંકના ગોળની જેમ  દિવસો લગી હાથ પર લઇને ફર્યાકરવાનું બનતું.  .

મારે  મન વાર્તા નિંભાડાનું સર્જન હતું. એમ માનતો કે એની માટીને ગુંદતા, ચાકડે ચડાવતા, ઘડતા,ટીપતા,પાકતા અને ટકોરાબંધ થતાં દિવસો લાગે. એમ તરત લખીને તરત આપી દીધી હોય તો એ ઘડો ના હોય.પરપોટો હોય.       

પણ પછી એક બહુ સૂચક પ્રસંગ બન્યો... જ્યારે હું રાજકોટમાં હતો ત્યારે વાર્તાલેખન  તો એવા ગંભીર માનસિક અભિનિવેશમાં જ ચાલતું હતું .  એવા એ  દિવસોમાં મેં ઘણા દિવસ મનમાં ઘૂંટ્યા પછી એક વાર્તા નામે ‘મો’ લખી. અને  ‘સમર્પણ’ માટે હરીન્દ્ર દવેને મોકલી.પણ હજુ એમના સ્વિકાર-અસ્વિકારનો પત્ર આવે તે પહેલાં  તો ‘અંજલિ’ના સંપાદક હસમુખ રાવળ મારે ત્યાં આવી ચડ્યા અને વાતવાતમાં મારી પાસેથી એની કાર્બન કોપી વાંચવા લઇ ગયા. અને પછી તો  એમને એ એટલી બધી ગમી ગઇ કે મને પૂછ્યા વગર જ એમણે એને ‘અંજલિ’ના દિવાળી અંક માટે રાખી લીધી. અને ‘મોં’ નામ સાથે એક બાળકી અને એક સ્ત્રી-પુરુષના રેખાંકન સાથેના એના ટાઇટલ ચિત્ર અને બ્લૉક સુધ્ધાં બનાવડાવીને મને બતાવવા હોંશભેર મારે ત્યાં આવ્યા ત્યારે હરીન્દ્રભાઇનો એ વાર્તાના સ્વિકારનો પત્ર મારા  ટેબલ પર પડ્યો હતો.! હસમુખભાઇ ઘા ખાઇ ગયા.  હવે જો હરીન્દ્રભાઇ એ વાર્તા ‘સમર્પણ’માં લેવાના હોય તો હસમુખભાઇથી એ ‘અંજલિ’માં કેવી રીતે લઇ શકાય ? પણ છતાં  એ તો એ બાબતે અતિ આગ્રહી હતા. અંતે બહુ મથામણભરી ચર્ચાને  અંતે એવું નક્કિ કર્યું કે એ ટાઇટલ અને એમાં ચીતરેલા પાત્રો સાથે બંધબેસે તેવી એક નવી વાર્તા મારે હસમુખભાઇને તાબડતોબ લખી આપવી અને હરીન્દ્રભાઇને એક પત્ર લખીને મારી મોકલેલી વાર્તાનું માત્ર શિર્ષક ‘મોં’ને બદલે ‘લૂંટ’ રાખવાની વિનંતી કરવી. પણ ખરી સમસ્યા હવે હતી , હસમુખભાઇને મારે લખી આપવાની બીજી વાર્તાનું શું?  એ તો પલાંઠી મારીને બેઠા એ નવી વાર્તા લઇને જ જવા માગતા હતા કારણ કે ‘અંજલી’નો અંક મશીન પર ચડી ગયો હતો .અને એમાં હવે એક દિવસનો વિલંબ પણ પાલવે  તેવો નહોતો. છેવટે મૂડ-બુડની પરવા કર્યા વગર હું એમની જ સામે નવી વાર્તા લખવા બેસી ગયો, મારા દિમાગમાં  કોઇ પ્લોટ-કે કોઇ ઘટનાનો આછો પાતળો તંતુ પણ નહોતો. માત્ર સંધવાણીએ દોરેલું ચિત્ર અને એમાં ચીતરેલાં પાત્રોના રેખાંકનો મારી નજર સામે હતાં. ઘડીભર એનું ચિંતવન કર્યું પણ પછી  તો  એ પણ નજર સામેથી ક્યારે હટી ગયા તેની સરત ના  રહી. અને ખરેખર માત્ર  ચાર કલાકમાં એકી બેઠકે એક એવી  નવી વાર્તા લખી નાખી  કે જે  એમણે મને બતાવેલા ટાઇટલ ચિત્ર સાથે અદ્દલ બંધબેસે.

પણ આ વાતની ખરી ચમત્કૃતિ આ વિજળિક ઘટનાક્રમમાં નથી. એ તો એમાં છે કે મેં  સંજોગોના દબાણને વશ થઇને મેં રાતોરાત લખેલી વાર્તા એ વાર્તા  ‘મોં’ સમર્પણમાં છપાયેલી પેલી મૂળ વાર્તા ‘લૂંટ’ કરતા ઘણી બહેતર બની આવી.

આવી જ આકરી સ્થિતી 1977માં ફરી પેદા થઇ. હું વેરાવળમાં વિજયા બેંકનો મેનેજર તરીકે અતિ વ્યસ્ત હતો, એવે વખતે સુરતથી ગુજરાત મિત્રના દિવાળી અંક માટે નવી વાર્તા મંગાવતો પત્ર ભગવતીકુમાર શર્મા તરફથી આવ્યો. પણ સમય અને વૃત્તિ બન્નેના અભાવને લીધે લખવાનુ પાછું ઠેલતો ગયો. છેવટે એમનો ઉઘરાણીનો તાર આવ્યો . એ દિવસ શરદપૂર્ણિમાનો  હતો અને રાતે દરીયાકિનારે ખારવણોના ગરબા સાંભળવા જવાનો મારો કાર્યક્રમ હતો. પણ ભગવતીકુમારની આ તાકીદને લીધે એકલાં પત્નિને ત્યાં મોકલ્યાં. બારી બારણાં બંધ કરીને ચાંદની અને બહારના  અવાજને પણ રોકી દીધાં. પણ મગજ ખાલીખમ્મ હતું.  વાર્તાલાયક એવી કોઇ ઘટના કે સંવેદનાનો આછો પાતળો દોર પણ ક્યાંયથી  હાથમાં આવતો નહોતો, કંટાળીને કાગળ-પેન નીચે મૂક્યાં. અને આજે આવેલી ટપાલ કે જે એકથી વધુ વાર વંચાઇ ચુકી હતી તે ફરી હાથમાં લીધી. એમાં એક પત્ર મિત્ર રતિલાલ બોરીસાગરનો હતો. એમાં સવિતાબહેન રાણપુરાના અવસાનના સમાચાર હતા અને એક વિશેષ વાત એમાં એ લખી હતી કે પતિ ફરી પરણવા લાયક ઉમરનો હોય તો પત્નિને અગ્નિદાહ આપવા સ્મશાને ના જાય એવી  પરંપરાનો ભંગ કરીને દિલીપ રાણપુરા સ્મશાને ગયા હતા. કારણકે સવિતાબહેનને એ અવસાન પામેલાં માનવા તૈયાર જ નહોતા અને વળી કોઇ વાતે એ ફરી પરણવા પણ માગતા  નહોતા. દિવસે અનેક વાર આ પત્ર મેં વાંચ્યો હતો પણ એવા કોઇ ખાસ સ્પંદનો જાગ્યાં નહોતાં પણ આ વાર્તાતૂર ક્ષણે એમાંથી  ઝપ્પ કરતોકને એક દોર પકડી લીધો. અને તેમાંથી સર્જાઇ મારી એક યાદગાર અને મને ઘણી નામના અપાવનારી વાર્તા-ચંદ્રદાહ.( જેના ઉપર શિવકુમાર જોશી અતિ વરસી પડ્યા હતા)  જે આગળ જતાં અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અનુવાદિત થઇ અને એ નામના મારા વાર્તાસંગ્રહને  ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ પણ મળ્યું. એની આખી ભીતરી સર્જનપ્રક્રિયા મેં મારા એ સંગ્રહમાં કેળવનમાં ચીસ શિર્ષક હેઠળ આલેખી છે.

પરંતુ એ  દિવસો પછી ફરી લેખનમાં મોટો ઝોલ પડી ગયો. હું સાહિત્યના કેટલાક પારખુઓની નજરમાં વસી ગયો હતો એ સાચું. એવા લોકોમાં મોહમ્મદ માંકડ. ગુલાબદાસ બ્રોકર, રસિક ઝવેરી, ભગવતીકુમાર શર્મા, હરીન્દ્ર દવે ,કુંદનિકા કાપડીઆ. કૃષ્ણવીર દિક્ષીત, વિનોદ ભટ્ટ, અશોક હર્ષ જેવા લોકો ખરા .પણ એ સિવાય બીજા સ્થાપિત જૂથોમાં મારી કોઇ ગણના નહોતી અને મને તમા પણ નહોતી. હું પણ અમદાવાદથી બહુ દૂર -સાવ અળગો- હતો .લખવાનું કોઇ વાતાવરણ નહોતું, તળપદી  બોલીમાં કહીએં તો લખ્યા વગર કાંઇ ‘અખંડીયારુ’ રહી જતું નહોતું. એ જ મનોદશા અને એ જ વાતાવરણ લઇને હું જૂનાગઢ આવ્યો.ત્યાં ય મારે નવી બ્રાંચ ખોલવાની  અને ચલાવવાની હતી. જો કે ત્યાંય મને  નિયમિત લખતો રાખે  એવું કોઇ વાતાવરણ નહોતું . જવાબદારીવાળી નોકરીમાંથી થોડોક સમય બચતો તે મોજમઝામાં વીતતો, થોડો વાચનમાં જતો. પરંતુ .મારે લખતા રહેવું જોઇએ અને તો જ સાહિત્ય જગતમાં ‘જીવતો’ રહીશ એવી સમજણ હતી પણ અહિં ‘જીવતા ‘રહેવાની તમન્ના જ કોને હતી ? મારું ક્ષેત્ર બેંકીંગ છે ,સાહિત્ય નહિં એવી સમજણ દ્રઢ્મૂળ થતી જતી હતી.

આની ઉપરથી એટલું ફલિત થાય છે કે સંજોગોના દબાણ વગર આવો (લખવાના મન વગરનો) લેખક લખતો નથી પણ દબાણથી ય જો લખે તો એની નિપજ મોળી હોય એવું કોઇ સમીકરણ નથી.ક્યારેક તો ઉલટાનું વધુ પક્વ ફળ હાથ લાગે છે.
***
પણ 1980માં મને જિંદગીભર સતત લખતા રહેવાના ધક્કા માર્યા કરે એવી એક વાત બની. અને તે ‘સંદેશ’માં નિયમીત કોલમ લખવાનું મોહમ્મદ માંકડનું મીઠું પણ છૂપા આદેશની કક્ષાનું નિમંત્રણ! ( એ પત્ર  પહેલી પોસ્ટમાં મેં મુક્યો છે).
આ એક ધક્કાએ મારી જિંદગીની નૌકાનો મોરો જ સમુળગો બદલી નાખ્યો. ધીરે એક કોલમ, પછી બીજી કોલમ પછી નવલકથા લખવાનું નિમંત્રણ, પહેલા ‘સંદેશ’માંથી પછી ‘ચિત્રલેખા’માંથી અને પછી બીજે ઘણે ઠેકાણે ! ધીરે ધીરે લખવાનું એટલું બધું વધતું ગયું કે જ્યારે વી.આર.એસ. કે પેન્શન જેવી કોઇ જ જોગવાઇ નહોતી ત્યારે લેખનના વધી ગયેલા ભારણને કારણે 1989માં મેં રાષ્ટ્રીયકૃત બેંકના  મેનેજર તરીકેની નોકરી છોડી દીધી, આજિવીકાની સંપૂર્ણ જવાબદારી  લેખન ઉપર નાખી દીધી
***
હવે જ્યારે એ વાતને પણ બાવીસ વર્ષ જેટલો ગાળો વીતી ગયો છે ત્યારે એમ કહી શકું કે હવે લખતા રહેવા માટેનું સૌથી પ્રબળ પરિબળ હોય તો તે વાહવાહીની ઝંખના કે મૂડ નથી. પણ  વ્યાવસાયિકતાનું ભારી અને સતત અને દબાણ જ છે. છાપાંઓની કટારો ઉપરાંત,બીજાં અનેક લખાણો. જીવનચરિત્રો અને જીવનલક્ષી સંપાદનો, સ્મૃતિગ્રંથો અને બીજા કોઇ સંપાદકોના લેખ માટેના નિમંત્રણો., અમુક તો સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધા પછી લખવાના લેખો ,રિવ્યુઝ,પ્રસ્તાવનાઓ અને આવકારો, પત્રોના પ્રત્યુત્તરો ! આ બધું હવે વ્યાવસાયિકતાના દાયરામાં આવી ગયું છે, એમાં શ્રમ બહુ પડે છે છતાં  તેમાંથી મળતી ‘મઝા’નો જરાય  લોપ થયો નથી. કારણ કે આ મનગમતો વ્યવસાય છે .નોકરી નથી, જે શોખમાંથી અને  સ્વયમની જે કાંઇ પ્રતિભા હશે તેમાંથી જન્મ્યો છે. જે દિવસના અઢાર અઢાર કલાક કામ માગે છે પણ એ ‘કામ’ છે, ઢસરડો નથી.તેથી તેની અસર સ્વાસ્થ્ય પર નથી પડતી કારણ કે તેમાં મારી જે કાંઇ સર્જકતા છે તે વ્યક્ત કરવાની મને તક મળે છે. ‘વીસમી સદી’ (વેબ સાઇટ અને પુસ્તિકા), રૂસ્વા મઝલૂમી( જીવનલક્ષી ગ્રંથ) જ્યુથિકા રૉય (જીવન ચરિત્રના અનુવાદનુ પરામર્શન અને અને વીડીઓ ડોક્યુમેંટ્રી) ‘મેઘદૂત’( સંપાદન અને ઓડીઓ સીડીનું સમગ્ર નિર્દેશન), અને ‘પ્રકૃતિ’( વેબ સાઇટ અને પુસ્તિકા સંપાદન)આ બધા માત્ર છેલ્લા પાંચ વર્ષમાં મારી પરિકલ્પના હેઠળ પાર પડેલા પ્રોજેક્ટ્સ  છે  અને એ દરેકે દરેકમાં મને તેજસ્વી લેખક  બીરેન કોઠારીનો સમાંતર સહયોગ મળ્યો છે. બે ઠેકાણે ધિમંત પુરોહીતનો અને એકાદ બેમાં વિપુલ આચાર્યનો   સાથ લીધો છે, એમ આખી એક ટીમ બની ગઇ  છે એટલે હવે મૂડ આવવાનો કે જવાનો કે વાતાવરણ પેદા થવાની રાહ જોવાના કોઇ લાડ પરવડે તેમ નથી.
***
મૂળભૂત રીતે હું સિનેમાપ્રેમી માણસ છું. અને એમાં મારી રૂખ ડાઇરેક્શન અને કેમેરાવર્ક ભણી છે. મારા હાથમાં (અને હસ્તરેખામાં)કેમેરા હોત તો હું ફિલ્મો ડાઇરેક્ટ કરતો હોત. એ તો નથી એટલે મારી એ અતૃપ્ત વાસના હું લેખનમાં પૂરી કરું છું. દ્રશ્યો આલેખવા નહિં, ખડા કરવા અને સંયોજવા  મને ગમે છે. ચં.ચી.મહેતા કે બીજા વિવેચકો અને વાચકોએ મારા લખાણોમાં જે ચિત્રાત્મકતા અને ફિલ્મતા જોઇ છે તેના મૂળ મારી આ રગમાં છે. એને સાહિત્યિક લક્ષણ કહેવાય કે ના કહેવાય તેની મને ખબર નથી. હું વ્યાખ્યાઓ પ્રમાણે ચાલી શકતો નથી.એવી જરૂર જ જોતો નથી.

Thursday, July 7, 2011

પડદો ઉંચકાયા પછી

નાટક્નો શૉ શરુ કરતા પહેલા ત્રણ વાર ઘંટડી વગાડવાનો રીવાજ હજુ આજે ય ક્યાંક ચલણમાં છે પરંતુ  એથી પણ અગાઉના જમાનામાં ખેલ પાડતા પહેલા  અડી ફોડવાનો શિરસ્તો હતો.  આ અડી એટલે  લુહારવાડમાં બનતું અંગ્રેજી U આકારનું અને એક હાથના પંજામાં જકડી શકાય તેવું સાધન કે જેના એક છેડે ખાડામાં પોટાશની ગોળી અને બીજા છેડે એક ચોરસ છેડાવાળો ખીલો હોય. પંજામાં અડીને જકડીને એ બન્ને છેડાને એક બીજા પર ગોઠવીને પથ્થર પર પછાડતાં જ એક મોટો ધડાકો થતો..બસ. એ સાથે જ પડદો ઉંચકાતો અને ગણેશવંદનાથી ખેલની  શરુઆત થતી.


જે કંઇક એવું જ બન્યું છે. અણચિંતવી ભેટ રૂપે મારા તોંતેરમા જન્મદિવસે મહેમદાવાદની લુહારવાડના બે છોકરાઓએ (બીરેન-ઉર્વીશ કોઠારીએ) અડી ફોડીને ધડાકો કરી નાખ્યો છે. અને એ સાથે જ  હું બેબાકળો બનીને ઉઠી ગયો છું કારણકે હું તો હજુ આ મામલે ઠાગાઠૈયાના ક્લિપબોર્ડ પર હતો અને મનમાં એની કોઇ તૈયારી નહોતી. ગામડાની સ્ત્રીઓની પરિભાષામાં કહું તો હજુ તો ચૂલોય સંધરૂક્યો નહોતો ને મેમાને  ( તમે લોકો યાર !) આંગણે ઘોડા છોડ્યા. હવે આવકારો ના દઉં તો ખોરડાની આબરુ શું ? એટલે શરુઆતમાં  તો થોડા કટક બટકથી ચલાવી લેજો . પછી વળી ગજાસંપત પીરસીશ .


આ બન્ને ભાઇઓની સાથેના મારા સંબંધને હું કોઇ વ્યાખ્યામાં બાંધતો નથી કે નથી કોઇ રક્તસંબંધની સરખામણીએ વ્યક્ત કરતો. એ બેઉ અને હું એક બીજા માટે શું એની અમને ત્રણેને ખબર છે. પણ આ સાથે માત્ર તવારીખ ખાતર વીસ વર્ષ પહેલાનો એક પત્ર આપું છું. એ વખતે અમે કદાચ બહુ હળ્યામળ્યા નહોતા. એમ તો અત્યારે હાથવગો નથી એવો એમનો પહેલો પત્ર પણ મેં ક્યાંક સાચવીને રાખ્યો છે, એ મળ્યો હોત તો અહિં એ આપત. પણ માત્ર છોકરડા વાચકોમાંથી એ બન્ને આજે પોતપોતાના ક્ષેત્રોમાં નામવંતા લેખકો જે કારણે બન્યા છે એ કૌવતના કંઈક સગડ એમના પત્રની ભાષામાંથી અને સમતોલ અભિવ્યક્તિની લઢણમાંથી મળશે. આ બ્લોગ શરૂ કરવા માટે તેમનો આભાર માનવાનું તો ઠીક નહિં લાગે પણ એવું અનુભવું તો છું જ કે જે અનુભવવા ઉપર મારો કોઇ અંકુશ નથી.



બીજી વાત, એ બન્નેએ પ્રથમ પોસ્ટમાં જે સામગ્રી મુકી છે તેના અનુસંધાને - ઝબકાર કટારને કારણે મારા જીવનની રાહ સમૂળગી બદલાઇ ગઇ. એ કટાર મને આગ્રહ કરીને લખતો કરનાર મારા ગુરુ મોહમ્મદ માંકડને પણ અહિં અનુગ્રહભાવે યાદ કરી લઉં છું’ અને મારી સાથે રોજિંદી ફોનની હોટ લાઇન ધરાવનારા પરમ મિત્ર અને ફિલ્મક્ષેત્રના વિલક્ષણ સંશોધક હરિશ રઘુવંશી (સુરત)એ હું મુકવા માંગુ તે સામગ્રીમાં મદદરૂપ થવાની તત્પરતા બતાવી તે માટે તેમને સલામ.
અને વાંચનારા સૌ મને પોતાના તો ઠીક પણ બીજા કોઇના પણ કાને પડેલા સારા–માઠા અભિપ્રાયો મને સંભળાવશે તો ચોક્કસ એમણે વાંચ્યું તો ખરું એવો સંતોષ થશે જે બહુ જરૂરી છે.


આભાર અને ફરી આવકાર,

Wednesday, July 6, 2011

પહેલી પોસ્ટઃ યાદ કિયા દિલને...

હવે અપ્રાપ્ય એવું પહેલું પુસ્તક (સંકલન-સંપાદન), 1967




'ઝબકાર' કોલમના જન્મ પહેલાંની ઘડીઓઃ
'સંદેશ'માં 'વાર્તાતત્વવાળું રેગ્યુલર કોલમ' લખવા માટે વડીલ મિત્ર મોહમ્મદ માંકડનો પ્રસ્તાવપત્ર, 1980